હરણી રોડ પર ફટાકડાનો ધંધો કરતા વેપારીને ધમકી : યે હમારા એરિયા હે, દુકાન છોડકર ભાગ જાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રસ્તા વચ્ચેથી હટી જવાનું કહેતા વેપારી પર આરોપીઓએ હુમલો કર્યો હતો. થોડીવારમાં જ ટોળું ધસી આવ્યું હતું. છૂટા પથ્થરો મારતા દુકાનના કાચને નુકસાન થયું હતું. કુંભારવાડા પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.
હરણી વારસિયા રીંગરોડ સવાદ ક્વાટર્સમાં રહેતા ધર્મેશ લાલાભાઇ પરદેશી હરણી રોડ વૃંદાવન ટાઉનશિપની બાજુમાં શ્રીજી માર્કેટમાં ફટાકડાની દુકાન ચલાવે છે. કુંભારવાડા પોલીસને તેમણે જણાવ્યું હતું કે, ગત ૨૩ મી તારીખે હું તથા મારો મિત્ર અમારી દુકાને જતા હતા. રસ્તા વચ્ચે શાકભાજીની લારીવાળો અનવર તથા ચીપીયો રિક્ષાવાળો ( બંને રહે. ભાંડવાડા) બોલાચાલી કરતા હતા. મેં તેઓેને સાઇડ પર જવાનું કહેતા તેઓ મારા પર ઉશ્કેરાઇ ગયા હતા. તેણે મારી ફેંટ પકડી લીધી હતી. ધર્મેશ પરદેશીએ જણાવ્યું હતું કે, થોડીવારમાં ૧૫ થી ૨૦ લોકોનું ટોળું ધસી આવ્યું હતું. તેઓએ મારા પર હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. આરોપીએ એવી ધમકી આપી હતી કે, યે હમારા એરિયા હે, તુમ દુકાન છોડકર ભાગ જાવ.
આરોપીઓએ લોખંડની પાઇપ તથા લાકડી વડે હુમલો કરી મને ખભા, કમર તથા ડાબા પગના ઘુંટણ પર ઇજા પહોંચાડી હતી. આરોપીઓએ છૂટા પથ્થરો મારતા મારી દુકાનને નુકસાન થયું હતું. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.









