Baroda

વડાપ્રધાનની મુલાકાત પહેલા જ વેમાલીના વિકાસના પ્રશ્ને ઉગ્ર આંદોલનની ચીમકી

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં 8મીએ વડાપ્રધાનના આગમન પૂર્વે વિકાસના દાવાઓ વચ્ચે વેમાલી ગામ પાણીના પ્રશ્ને વંચિત છે. સામાજિક કાર્યકર કમલેશ પરમારે વેમાલી તળાવ પાસે પીએમના ફોટા સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. નર્મદા કેનાલનું પાણી વિશ્વામિત્રીમાં વેડફાય છે. સ્થાનિકોને મોંઘા ભાવે ટેન્કરો મંગાવવા પડે છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે લોકો ટીપે-ટીપે પાણી માટે વલખાં મારે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડાપ્રધાનની મુલાકાત પહેલા જ વેમાલીના વિકાસના પ્રશ્ને ઉગ્ર આંદોલનની ચીમકી

Vadodara News : વડોદરા શહેરમાં આગામી 8મીના રોજ દેશના વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર દ્વારા વિકાસના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ વર્ષ 2020માં વડોદરા મહાનગરપાલિકાની હદમાં સમાવાયેલું વેમાલી ગામ આજે પણ પાણી અને વિકાસના પ્રશ્ને વંચિત હોવાનો આરોપ સામાજિક કાર્યકર કમલેશ પરમારે લગાવ્યો છે. વેમાલી તળાવ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
વેમાલી તળાવની નજીકથી પસાર થતી નર્મદા કેનાલનું લાખો ગેલન પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં વહીને વેડફાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ જ ચોખ્ખું પાણી યોગ્ય આયોજન કરીને વેમાલી તળાવમાં છોડવામાં આવે તો આસપાસના ભૂગર્ભજળનું સ્તર ઊંચું આવી શકે અને મોટી સંખ્યામાં બોર રિચાર્જ થઈ શકે તેમ છે. જોકે, તંત્ર પાસે આવી કોઈ યોજના ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
વેમાલી વિસ્તારમાં પાણીની સમસ્યા એટલી ગંભીર બની હોવાનું કહેવાય છે કે અનેક ફ્લેટ અને સોસાયટીઓના બોર સુકાઈ જતાં અથવા બંધ થઈ જતાં રહીશોને પીવાના પાણી માટે મોંઘા ભાવે ખાનગી ટેન્કરો મંગાવવા પડે છે. પાણીના કેન અને જગ ખરીદવા માટે પણ લોકોને મજબૂર થવું પડી રહ્યું છે. સોસાયટીઓની બહાર ઉભેલા ખાનગી પાણીના ટેન્કરો અને પાણી મેળવવા માટે રાહ જોતા રહીશો વિસ્તારની ગંભીર સ્થિતિ દર્શાવે છે.
સ્માર્ટ સિટીના નામે ટેક્સ ભરતી જનતા આજે ટીપે-ટીપે પાણી માટે મોંઘો ખર્ચ કરવા મજબૂર બની હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બીજી તરફ, નવી પાણીની લાઈન માટે મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવે ત્યારે અધિકારીઓ દ્વારા 80/20 સ્કીમનો ગોળ-ગોળ જવાબ આપવામાં આવતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સોસાયટી બને તેને 10 વર્ષ પૂર્ણ થયા બાદ જ નવી પાણીની નળિકા નાખી શકાય તેવો નિયમ બતાવવામાં આવતો હોવાનું જણાવાયું છે.
આ અંગે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો છે કે, નવી બનેલી સોસાયટીઓમાં શું લોકો રહેતા નથી? શું તેઓ મહાનગરપાલિકાનો ટેક્સ ભરતા નથી? શહેરની હદમાં સમાવાયા બાદ પણ મૂળભૂત સુવિધા માટે 10 વર્ષ સુધી રાહ જોવી પડે તો વિકાસના દાવા પર સવાલો ઊભા થાય છે.
વર્ષ 2023માં વેમાલી તળાવ પાછળ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કરોડો રૂપિયાના નવીનીકરણની કામગીરી કાગળ પર બતાવવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આ ખર્ચ અને કામગીરીની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માગણી કરવામાં આવી છે.