Baroda

અઢાર મહિનાથી નાની વયના બાળકોમાં પણ ટીવી કે મોબાઈલ જોવાનું ચલણ

By GS Team
3 Sep 20263 mins read
TukuTouch Logo
વડોદરા: MSUના અભ્યાસ મુજબ, 18 મહિનાથી નાના બાળકો પણ ટીવી-મોબાઈલ સ્ક્રીનથી પરિચિત છે. 5 વર્ષથી નીચેના 271 બાળકોના વાલીઓના ઇન્ટરવ્યૂમાં સામે આવ્યું કે, 14% બાળકો 12 મહિનાથી સ્ક્રીન જુએ છે, 35% 18 મહિના પહેલાંથી. 66% બાળકો WHOની 1 કલાકની મર્યાદા કરતાં વધુ સમય સ્ક્રીન સામે રહે છે, જે પાચન અને માનસિક વિકાસ પર નકારાત્મક અસર કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અઢાર મહિનાથી નાની વયના બાળકોમાં  પણ ટીવી કે મોબાઈલ જોવાનું ચલણ

રોજિંદા જીવનમાં મોબાઈલ અને ખાસ કરીને સ્માર્ટ ફોન હવે મોટાભાગના લોકોના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે.આશ્ચર્યની વાત એ છે કે તેમાંથી સાવ નાની વયના બાળકો પણ બાકાત નથી.૧૮ મહિનાથી નાના બાળકો પણ ટીવી અને મોબાઈલના સ્ક્રીનથી પરિચિત થઈ ગયા છે તેવું ચોંકાવનારુ તારણ એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીના ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગના સંશોધકોના એક અભ્યાસમાં સામે આવ્યું છે.
વિભાગના અધ્યાપક ડો.વિજયતા સેંગારના હાથ નીચે વિદ્યાર્થિની ભૂમિકા જૈને પાંચ વર્ષથી નીચેની વયના ૨૭૧ બાળકોના વાલીઓના ઈન્ટરવ્યૂ લીધા હતા.ડો.સેંગાર કહે છે કે, એક વખત તો માનવામાં ના આવે પણ આ પૈકીના ૧૪ ટકા બાળકોને તો ૧૨ મહિનાના થયા ત્યારથી જ સ્ક્રીન બતાવવામાં આવતી હતી.જ્યારે ૩૫ ટકા બાળકો ૧૮ મહિના પહેલાથી સ્ક્રીનનો ઉપયોગ કરવા માંડયા હતા.તેમનું કહેવું છે કે, ૬૦ ટકા બાળકોને જમતી વખતે ટીવી કે મોબાઈલની સામે હોય છે.જેના કારણે ભોજન સાથે તેમનો ભાવનાત્મક સબંધ બંધાતો નથી.ઘણી વખત તેઓ શું ખાય છે અને ભોજનની સ્મેલ કેવી છે તેના પર પણ તેઓ ધ્યાન આપતા નથી.જેની પાચનતંત્ર પર નકારાત્મક અસર થવાની શક્યતા રહે છે.કુલ મળીને ૬૬ ટકા બાળકો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને નક્કી કરેલી રોજના એક કલાકની મર્યાદા કરતા વધારે સમય સ્ક્રીન સામે બેસી રહે છે.

મોટાભાગના બાળકો એકલા- એકલા ટીવી કે મોબાઈલ જોતા હોય છે
આ અભ્યાસના અન્ય કેટલાક તારણો પણ ચોંકાવનારા છે.જેમ કે,
--બાળકો જ્યારે સ્ક્રીનની સામે હોય છે ત્યારે માતા-પિતા ભાગ્યે જ તેમની સાથે હોય છે.૫૦ ટકા વાલીઓ બાળકો સાથે આ સમયે બેસતા નથી અથવા ભાગ્યે જ બેસે છે.
--૩૭ ટકા બાળકો એવા પણ છે જે ઉંઘવાના એક કલાકની અંદર મોબાઈલ જોતા હોય છે.જેની અસર તેમની ઉઁઘ પર પડે છે અને સ્વાભાવિક છે કે, લાંબા ગાળે તેમના માનસિક વિકાસ માટે આ ટેવ સારી નથી.
--૬૭ ટકા બાળકો તેમની ઉંમર માટે યોગ્ય ના હોય તેવું કન્ટેન્ટ મોબાઈલ કે ટીવી પર જૂએ છે.મોટાભાગના બાળકો આમ તો કાર્ટૂન જ જોતા હોય છે પણ તેમાં પણ અમુક પ્રકારના કાર્ટૂન અમુક જ વયના બાળકો માટે યોગ્ય હોય છે તેની મોટાભાગના વાલીઓને જાણકારી નથી.
--મોબાઈલ કે ટીવી સ્ક્રીનના વધેલા ચલનના કારણે બાળકોનો ઘરની બહાર રમવાનો સમય પણ ઘટી ગયો છે.

પ્લે સેન્ટરો અને સ્કૂલોએ વર્કશોપ યોજવા જોઈએ
ડો.વિજયતા સેંગાર અને ભૂમિકા જૈનનું કહેવું છે કે, બાળકોના જીવનમાં સ્ક્રીન ટાઈમનો અતિરેક એક પ્રકારની સામાજિક કટોકટી કહી શકાય.આ સામાજિક સમસ્યાના નિવારણ માટે પ્લે સેન્ટરો તથા શાળાઓએ આગળ આવવું જોઈએ.બાલકોને પ્રવેશ આપતી વખતે રોજની સ્ક્રીન જોવાની મર્યાદા, તેના જોખમો, ગેરફાયદાની એક ગાઈડ લાઈન તૈયાર કરીને વાલીઓને આપવી જોઈએ.વર્ષમાં એક વખત વાલીઓ માટે વર્કશોપનું આયોજન કરવું જોઈએ. વાલીઓએ ઘરે બાળકો સાથે વાંચન, ગાયન કે સ્ટોરી ટેલિંગની પ્રવૃત્તિઓ કરવી જોઈએ અને નાના બાળકો રોજ ૧૦ થી ૧૨ કલાક ઉંઘ લે તે બાબત સુનિશ્ચિત કરવી જોઈએ.