Baroda

રખડતા કૂતરાઓનો આતંક વધતા તંત્ર એકશનમાં : VMC દ્વારા વસ્તી ગણતરી હાથ ધરાશે

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધતા, વડોદરા કોર્પોરેશને શહેરમાં ફ્રી-રોમિંગ કમ્યુનિટી ડોગ્સની વસ્તી ગણતરીનો નિર્ણય લીધો છે. આ માટે અનુભવી સંસ્થાઓ પાસેથી ટેન્ડર મંગાવાયા છે. સર્વેમાં કૂતરાઓની સંખ્યા અને ગતિશીલતાની વિગતો એકત્રિત કરાશે. જેના આધારે કૂતરાઓની વસ્તી નિયંત્રણ માટે અસરકારક એનિમલ બર્થ કંટ્રોલ (ABC) વ્યૂહરચના તૈયાર થશે. આ વર્ષે 6,463 લોકોએ હડકવાની રસી લીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રખડતા કૂતરાઓનો આતંક વધતા તંત્ર એકશનમાં : VMC દ્વારા વસ્તી ગણતરી હાથ ધરાશે

Vadodara Corporation : વડોદરા શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ સતત વધતો હોવાના અહેવાલો વચ્ચે વડોદરા કોર્પોરેશન દ્વારા હવે શહેરમાં મુક્ત રીતે ફરતા રખડતા કૂતરાઓની વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશને સક્ષમ અને અનુભવી સંસ્થાઓ પાસેથી ટેન્ડર મંગાવ્યું છે.
કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડર મુજબ શહેરમાં ફ્રી-રોમિંગ કમ્યુનિટી ડોગ્સનો વસ્તી સર્વે કરવામાં આવશે. સર્વે દરમિયાન રખડતા કૂતરાઓની સંખ્યા, તેમની વસ્તીની ગતિશીલતા સહિતની વિગતો એકત્રિત કરવામાં આવશે. આ માહિતીના આધારે કૂતરાઓની વસ્તી નિયંત્રણ માટે અસરકારક અને માનવતાપૂર્ણ એનિમલ બર્થ કંટ્રોલ (ABC) વ્યૂહરચના તૈયાર કરવામાં આવશે.
આ કામગીરી માટે સંબંધિત સરકારી સત્તાધિકારી પાસેથી નોંધણી અથવા લાઇસન્સ ધરાવતી સક્ષમ અને અનુભવી સંસ્થાઓ પાસેથી ટેન્ડર મંગાવવામાં આવ્યું છે. સર્વે બાદ શહેરમાં રખડતા કૂતરાઓની વાસ્તવિક સંખ્યા અંગે ચોક્કસ આંકડો ઉપલબ્ધ થશે અને તેના આધારે એનિમલ બર્થ કંટ્રોલ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરાશે.
રખડતા કૂતરાઓના હુમલાની ઘટનાઓમાં વધારો
છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધ્યો છે. વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાઓ દ્વારા લોકોને બચકા ભરવાની ઘટનાઓ સામે આવી રહી છે. વાઘોડિયા રોડ પર આવેલી એક સોસાયટીમાં રખડતા કૂતરાઓએ 24 લોકોને બચકા ભર્યાની ઘટના પણ સામે આવી હતી. બીજી તરફ, તાજેતરમાં છોટાઉદેપુરમાં એક બાળકનું હડકવાના કારણે મોત થયું હતું. રખડતા કૂતરાઓના કરડવાના બનાવો બાદ હડકવાના રોગનું જોખમ પણ વધ્યું છે.
6,463 લોકોએ હડકવાની રસી લીધી
શહેરમાં કૂતરાના કરડવાના બનાવોની ગંભીરતાએ વાત પરથી પણ સ્પષ્ટ થાય છે કે આ વર્ષે અત્યાર સુધીમાં 6,463 લોકોએ હડકવાની રસી લીધી છે. રખડતા કૂતરાઓની સંખ્યા, કૂતરાના બચકા ભરવાના બનાવો અને હડકવાના જોખમ વચ્ચે હવે મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનારી વસ્તી ગણતરી મહત્વપૂર્ણ બની રહેશે.