Baroda

અકસ્માત પછી જાગતું તંત્ર..! સલાહ અને અપીલો નહીં, વડોદરામાં ટ્રાફિક નિયમોના કડક અમલની માગ

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરાના ફતેગંજ બ્રિજ પર ગઇકાલે ST બસની અડફેટે એક વિદ્યાર્થીનીનું મોત થયું. 2.5 મહિના પહેલા પણ આ બ્રિજ પર અકસ્માતમાં એક યુવકે જીવ ગુમાવ્યો હતો. વારંવાર થતા અકસ્માતો છતાં ટ્રાફિક સુરક્ષાના પગલાં અધૂરા રહેતા લોકોમાં રોષ છે. તંત્ર દ્વારા સૂચક બોર્ડ અને રિફ્લેક્ટિવ હેઝાર્ડ લગાવાયા છે, પણ રંબલ સ્ટ્રીપનું કામ બાકી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અકસ્માત પછી જાગતું તંત્ર..! સલાહ અને અપીલો નહીં, વડોદરામાં ટ્રાફિક નિયમોના કડક અમલની માગ

Vadodara Traffic Police : વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ અને બેફામ વાહનચાલન સામે તંત્રની ઢીલી કામગીરીના કારણે અકસ્માતોની શ્રેણી અટકવાનું નામ લેતી નથી. શહેરના રસ્તાઓ પર રોંગ સાઇડ વાહન હંકારવા, ઓવરસ્પીડ અને ટ્રાફિક નિયમોની ખુલ્લેઆમ અવગણના સામાન્ય બની ગઈ છે. અકસ્માત સર્જાયા બાદ જ તંત્ર હરકતમાં આવતું હોવાની ચર્ચા વચ્ચે હવે બેફામ વાહનચાલકો સામે કડક કાર્યવાહી ક્યારે થશે તેવો સવાલ ઉઠી રહ્યો છે.
ગઈકાલે મંગળવારે બપોરે ફતેગંજ બ્રિજ પર ટુ-વ્હીલર પર જઈ રહેલી એક વિદ્યાર્થીનીનું એસટી બસની અડફેટે મોત નીપજતાં શહેરમાં ફરી ટ્રાફિક સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ચિંતાજનક બાબતએ છે કે આશરે અઢી મહિના અગાઉ પણ આ જ બ્રિજ પર બાઇક સ્લીપ થતાં એક યુવકે જીવ ગુમાવ્યો હતો. સતત બનતી દુર્ઘટનાઓ છતાં અસરકારક અને કાયમી પગલાં ન લેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગત 22 જુલાઈના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે ફતેગંજ બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન વાહનો ગતિમર્યાદામાં રહે તે માટે સૂચક બોર્ડ, રંબલ સ્ટ્રીપ (થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ), બ્રિજના વળાંક પર રિફ્લેક્ટિવ હેઝાર્ડ, કેટ્સ આઈ સહિતની સુરક્ષા સુવિધાઓ ઉભી કરવાની સૂચના આપવામાં આવી હતી.
તંત્રના જણાવ્યા મુજબ સૂચક બોર્ડ અને રિફ્લેક્ટિવ હેઝાર્ડ લગાવી દેવામાં આવ્યા છે, જ્યારે વરસાદને કારણે રંબલ સ્ટ્રીપ અને કેટ્સ આઈ લગાવવાની કામગીરી હજુ અધૂરી છે અને ટૂંક સમયમાં પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે. જોકે, વિદ્યાર્થીનીના મોત બાદ લોકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે જો આ કામગીરી સમયસર પૂર્ણ થઈ હોત તો કદાચ વધુ એક જીવ બચી શક્યો હોત.
શહેરના વિવિધ બ્રિજો પર વધી રહેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને માત્ર સલાહ અને અપીલોથી નહીં, પરંતુ ટ્રાફિક નિયમોના કડક અમલ, રોંગ સાઇડ વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી અને સુરક્ષા સુવિધાઓ સમયસર પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.