ખેડૂતના મોબાઇલમાં કોઈ મેસેજ કે ફોન કર્યા વગર ગઠિયાઓએ ખાતામાંથી પૈસા ઉપાડી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરામાં વાઘોડિયા તાલુકાના મઢેલી ગામના ખેડૂતના બેન્ક ખાતામાંથી બારોબાર ઓનલાઇન રૂ.97 હજાર ઉપડી ગયા હતા.
મઢેલી ગામના સોલંકી ફળિયામાં રહેતા ખેડૂત ગફુરભાઇ દોલુભાઇ સોલંકી બેંક ઓફ બરોડાની લીમડા શાખામાં ખાતું ધરાવે છે. ગત તા.5 સપ્ટેમ્બરના રોજ તેઓ મોબાઇલમાં બેન્ક બેલેન્સ ચેક કરતા હતા ત્યારે માત્ર રૂ.198 બેલેન્સ બતાવતું હતું જેથી તેમણે બેન્કની નજીકના એટીએમમાં જઇને રૂ.2 હજાર ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પૈસા ઉપડયા ન હતા.
દરમિયાન બાજુમાં બેન્કની શાખામાં જઇને સ્ટેટમેન્ટ કઢાવતા પોતાના ખાતામાંથી અલગ અલગ દિવસે કુલ રૂ.97 હજાર યુપીઆઇ દ્વારા બારોબાર ઉપડી ગયા હોવાનું જણાયું હતું. ગફુરભાઇને મોબાઇલ પર કોઇ મેસેજ કે કોઇ કોલ આવ્યો ન હોવા છતાં ઓનલાઇન છેતરપિંડી થઇ હતી. આ અંગે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




