Baroda

૪૫ દિવસથી અટકેલી વાહનોની રિ - પાસિંગ પ્રક્રિયાનો ઉકેલ આવ્યો

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
ગાંધીનગર વાહનવ્યવહાર કમિશનર કચેરીએ રાજ્યની RTO અને ARTO કચેરીઓને નવી માર્ગદર્શિકા આપી છે. આવતીકાલથી ખાનગી વાહનોના રજીસ્ટ્રેશન રિન્યુઅલ અને ફિટનેસ સંબંધિત કામગીરી શરૂ થશે. 15 વર્ષ પૂર્ણ કરેલા ખાનગી વાહનો માટે દર 5 વર્ષે ફિટનેસ પ્રમાણપત્ર ફરજિયાત રહેશે. 45 દિવસથી અટકેલી પ્રક્રિયા હવે શરૂ થતા વાહન માલિકોને રાહત મળશે. પ્રથમ ફિટનેસ પરીક્ષણમાં વિલંબ બદલ લેટ ફી નહીં વસૂલાય.

Summarized by AI; it may make mistakes. Check important info

૪૫ દિવસથી અટકેલી વાહનોની રિ - પાસિંગ પ્રક્રિયાનો ઉકેલ આવ્યો

વાહન વ્યવહાર કમિશ્નર કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્યની તમામ આરટીઓ અને એઆરટીઓ કચેરીઓને નવી અપાયેલી માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવા જણાવતા આવતીકાલે સોમવારથી ખાનગી વાહનોના રિન્યુઅલ ઓફ રજીસ્ટ્રેશન અને ફિટનેસ સંબંધિત કામગીરી શરૃ થશે.

કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા વાહનોના ફિટનેસ ટેસ્ટ અને રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં સુધારા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. નવા નોન-ટ્રાન્સપોર્ટ (ખાનગી) વાહનો માટે નોંધણી વખતે અલગથી ફિટનેસ સર્ટિફિકેટની જરૃરિયાત નહીં રહે, જ્યારે ૧૫ વર્ષ પૂર્ણ કરેલા ખાનગી વાહનો માટે દર પાંચ વર્ષે ફિટનેસ પ્રમાણપત્ર ફરજિયાત રહેશે. ઉપરાંત, લાઈટ મોટર વ્હીકલનું ફિટનેસ પરીક્ષણ માત્ર ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન પરથી જ કરાવવાનું રહેશે.

જાહેરનામા મુજબ વાહન પ્રથમ વખત ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જાય અને ૧૮૦ દિવસની અંદર ફિટ જાહેર ન થાય તો તેને 'એન્ડ ઓફ લાઈફ વ્હીકલ' તરીકે વર્ગીકૃત કરાશે. તેમજ રજીસ્ટ્રેશન રિન્યુઅલ માટે નિર્ધારિત કોષ્ટક મુજબ ફી વસૂલવાની જોગવાઈ કરાઇ હતી, જે અંગે મહેસાણા આરટીઓ દ્વારા માર્ગદર્શન માગવામાં આવતા સમગ્ર રાજ્યની આરટીઓ અને એઆરટીઓ કચેરીઓમાં જૂના ખાનગી વાહનોની રિન્યુઅલ ઓફ રજીસ્ટ્રેશન પ્રક્રિયા છેલ્લા ૪૫ દિવસથી અટકી પડી હતી.

હવે વાહન વ્યવહાર કમિશનર કચેરી, ગાંધીનગર દ્વારા પરિપત્ર જાહેર કરી સ્પષ્ટતા કરાઈ છે કે નોન-ટ્રાન્સપોર્ટ (ખાનગી) વાહનોના રિન્યુઅલ ઓફ રજીસ્ટ્રેશન માટે પ્રથમ વખત ફિટનેસ પ્રમાણપત્રની જોગવાઈ લાગુ કરવામાં આવી હોવાથી હાલ પ્રથમ ફિટનેસ પરીક્ષણ કરાવતી વખતે થયેલા વિલંબ બદલ રૃ. ૫૦ પ્રતિ દિવસની વધારાની લેટ ફી વસૂલવામાં આવશે નહીં.

જો કે, પ્રથમ ફિટનેસ પૂર્ણ થયા બાદ ભવિષ્યમાં ફિટનેસનું રિન્યુઅલ કરાવવામાં વિલંબ થશે તો રૃ. ૫૦ પ્રતિ દિવસના દરે લેટ ફી દંડ વસૂલાશે.

વડોદરામાં ૯૦૦થી વધુ વાહનોના  રિ-પાસિંગની પ્રક્રિયા અટવાઈ છે

નવી જોગવાઈના અમલીકરણમાં સ્પષ્ટતા ન હોવાના કારણે છેલ્લા ૪૫ દિવસથી સમગ્ર રાજ્યમાં જૂના વાહનોની રિ-પાસિંગ અને ફિટનેસ ચકાસણીની પ્રક્રિયા બંધ હતી. માત્ર વડોદરામાં જ અંદાજે ૯૦૦થી વધુ વાહનોની રિ-પાસિંગની કામગીરી અટકી પડી હતી. વાહન માલિકો વારંવાર આરટીઓના ધક્કા ખાઈ રહ્યા હતા. હવે પ્રક્રિયા ફરી શરૃ થતાં વાહન માલિકોને રાહત મળશે.