Baroda

છ વર્ષથી ગોકળગતિએ ચાલતા પ્રોજેક્ટમાં ખામીથી સતત વિલંબ, ખર્ચ પણ વધ્યો

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં પૂર્વ વિસ્તારની પાણીની સમસ્યા હલ કરવા માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નિમેટાથી સરદાર એસ્ટેટ સુધી 1524 mm વ્યાસની નવી પાણીની લાઈન નાખવાનું કામ અંતિમ તબક્કામાં છે. આશરે ₹200 કરોડના આ પ્રોજેક્ટથી આગામી દોઢ મહિનામાં પૂર્વ વિસ્તારને વધારાનું 125 MLD પાણી મળશે. જોકે, રૂટ બદલાવ અને વધારાના ₹9.37 કરોડના ખર્ચને લઈને વિવાદ યથાવત્ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છ વર્ષથી ગોકળગતિએ ચાલતા પ્રોજેક્ટમાં ખામીથી સતત વિલંબ, ખર્ચ પણ વધ્યો

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પૂર્વ વિસ્તારની વર્ષો જૂની પાણી સમસ્યાના ઉકેલના ભાગરૃપે નિમેટાથી સરદાર એસ્ટેટ સુધી ૭૫૦ એમએમની જૂની પાણીની લાઈનના બદલે ૧૫૨૪ એમએમ વ્યાસની નવી લાઈન નાખવા માટે શરૃ કરેલી કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે.

 વર્ષ ૨૦૨૦માં મંજૂર થયેલા અંદાજે રૃા.૨૦૦ કરોડના આ પ્રોજેક્ટની કામગીરી વેલજી રત્ના સોરઠીયા ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ અને રાજકમલ બિલ્ડર્સ દ્વારા તબક્કાવાર કરાઈ છે. મ્યુનિ.કોર્પોરેશન આગામી દોઢ મહિનામાં આ લાઈન કાર્યરત કરીને વધારાનું ૧૨૫ એમએલડી પાણી પૂર્વ વિસ્તારમાં પહોંચાડવાનો દાવો કરી રહી છે. જોકે પ્રોજેક્ટ દરમિયાન રૃટ બદલાવવો, વધારાનો ખર્ચ અને ગ્રેવિટીને લઈને વિવાદ યથાવત્ છે.

મૂળ આયોજન મુજબ નિમેટાથી સરદાર એસ્ટેટ સુધી સીધી લાઈન નાખવાની હતી, પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટી તરફથી મંજૂરી ન મળતા લાઈનનો રૃટ બદલવો પડયો છે, જેથી મ્યુનિ.કોર્પોરેશનને વધારાના રૃા.૯.૩૭ કરોડનો ખર્ચ પણ સહન કરવો  પડયો  છે.વિપક્ષનું કહેવું છે કે આયોજનના અભાવના કારણે જાહેર નાણાં વેડફાયા છે.

મહારાજાના સમયથી કાર્યરત રહેલી ગ્રેવિટી આધારિત પાણી પુરવઠા વ્યવસ્થાના સ્થાને હવે ૧૨૫ એમએલડી પાણી બુસ્ટીંગ સિસ્ટમ દ્વારા પહોંચાડવાની યોજના અમલમાં આવશે. નવી લાઈનમાં પાંચ સ્થળે કાટખૂણા પડશે. ઉપરાંત, નર્મદા કેનાલ પાસે પાઇપલાઈનને આશરે ૫૦ ફૂટ નીચે પુશિંગ પદ્ધતિથી લઈ જઈ ફરી ઉપર લાવવામાં આવી રહી છે.

એક વર્ષે દબાણ હટતા કામગીરી આગળ વધી

ભાઈકાકા પાર્ટી પ્લોટ પાસે થયેલા દબાણના કારણે પાણીની લાઈન નાખવાની કામગીરી એક વર્ષ સુધી અટવાઈ રહી હતી. ગઈકાલે વુડાએ પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરતાં ૩૦૦ એમએમની વુડાની તેમજ ૧૫૨૪ એમએમની મ્યુનિ.કોર્પોરેશનની પાણીની લાઈન નાખવાની કામગીરી શરૃ થઈ છે. બીજી તરફ નર્મદા કેનાલ વિસ્તારમાં પાઇપલાઈનની પુશિંગ કામગીરી હાલ પ્રગતિમાં છે.

વધારાના પાણી સાથે વીજ ખર્ચનું ભારણ વધશે

કોંગી કાઉન્સિલરનું કહેવું છે કે રોજના ૧૨૫ એમએલડી પાણી બુસ્ટીંગ દ્વારા પહોંચાડવા માટે રોજ અંદાજે રૃા.૧ લાખનો વધારાનો વીજ ખર્ચ થશે. સાથે જ આજવા સરોવરમાં પાણીનું સ્તર જાળવવું મુશ્કેલ બનશે અને વર્ષભર નર્મદા કેનાલનું પાણી લેવાની જરૃરિયાત ઊભી થઈ શકે છે. પરિણામે પાણી પુરવઠાનો આ પ્રોજેક્ટ ભવિષ્યમાં મ્યુનિ.કોર્પોરેશન માટે આર્થિક રીતે વધુ ભારરૃપ બનવાની શક્યતા છે.