એરેન્જ્ડ મેરેજ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો, માતા-પિતા ઈચ્છે છે કે સંતાનો પોતે જ જીવનસાથી પસંદ કરે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આપણા સામાજિક મૂલ્યોમાં પણ ધરખમ બદલાવો આવી રહ્યા છે.જેના કારણે એરેન્જ્ડ મેરેજ એટલે કે ગોઠવાયેલા લગ્ન પ્રતિ જોવાનો દ્રષ્ટિકોણ પણ હવે ધરમૂળથી બદલાઈ ગયો છે.હવે તો માતા પિતા જ ઈચ્છે છે કે, સંતાનો પોતાની જાતે જ જીવનસાથીની પસંદગી કરી લે.
તો બીજી તરફ એરેન્જ્ડ મેરેજ કરવા માંગતા યુવાઓની પ્રાથમિકતા પણ બદલાઈ છે.મોટાભાગના યુવક યુવતીઓ જીવનસાથી લગ્ન પછી મને અનુકૂળ થઈને રહે અને લગ્ન પહેલાની મારી જીવન શૈલીમાં લગ્ન બાદ કોઈ ફેરફાર ના થાય તેવું ઈચ્છે છે.એરેજન્ડ મેરેજના બદલાતા પરિપ્રેક્ષ્ય પરના આ રસપ્રદ તારણો એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીના એચડીએફએસ( હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ ફેમિલી સાયન્સ)ના અધ્યાપક ડો.નિધિ શાહે વિભાગના પૂર્વ હેડ અને વરિષ્ઠ પ્રોફેસર ડો.શગુભા કાપડિયાના હાથ નીચે કરેલા પીએચડીમાં સામે આવ્યા છે.એરેન્જડ્ મેરેજ ઈન ધ મેકિંગ ..વિષય પર પાંચ વર્ષના સંશોધન દરમિયાન તેમણે શહેરના સુશિક્ષિત પરિવારોના ૨૫ થી ૩૫ વર્ષની વયના એવા યુવક- યુવતીઓના તથા તેમના માતા પિતાના ઈન્ટરવ્યૂ લીધા હતા કે જેઓ એરેજન્ડ્ મેરેજ થકી જીવનસાથીની તલાશમાં હતા.સાથે સાથે લગ્ન અંગે તેમણે ૩૦૦ લોકોનો એક સર્વે પણ કર્યો હતો.ડો.નિધિ શાહ કહે છે કે,યુવા પેઢીને લાગે છે કે માત્ર માતા-પિતાની કે પરિવારની અપેક્ષા પૂરી કરવા માટે લગ્ન નથી કરવા.આ બાબતે અત્યારની યુવા પેઢી અગાઉની પેઢી કરતા વધારે ફ્લેક્સિબલ હોવાનું અમારા અભ્યાસમાં સામે આવ્યું છે.
યુવાઓ માટે એરેન્જ્ડ મેરેજ પહેલો વિકલ્પ નથી
--એરેજન્ડ મેરેજ કરવા માગતા યુવક-યુવતીઓ પૈકી યુવતીઓ કરતા યુવકો લગ્ન માટે વધારે જલ્દી સંમતિ દર્શાવે છે.
-- બહુમતી યુવતીઓએ કહ્યું હતું કે, અત્યારે જેટલા પૈસા અમે વાપરીએ છે તેટલા પૈસા વાપરવા માટે લગ્ન પછી અમારે કોઈને પૂછવું પડે તેવું અમે નથી ઈચ્છતા.
--મોટાભાગના યુવક- યુવતીઓએ લગ્ન બાદ પરિવારથી અલગ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
--યુવક-યુવતીઓએ કહ્યું હતું કે અમારે માત્ર માતા-પિતાની ખુશી માટે લગ્ન નથી કરવા.
--લગ્ન માટે મોટાભાગનાએ વિચારો મળવા જોઈએ અને જીવનસાથીના કારણે મારે બદલાવુ ના પડે તે બાબતને પ્રાથમિકતા આપી હતી.
--નોકરી કરતી યુવતીઓએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે, અમે જેટલું કમાઈએ છે તેના કરતા વધારે અમારા જીવનસાથીની કમાણી હોવી જોઈએ.
--બહુમતી યુવાઓએ જો જાતે યોગ્ય પાત્ર ના મળે તો જ એરેન્જ્ડ મેરેજનો વિચાર કરતા હોવાનું કહ્યું હતું.આમ એરેજન્ડ મેરેજ તેમના માટે બીજો વિકલ્પ છે.
--ઘણા યુવાઓ એરેન્જ્ડ મેરેજ કરવા માટેની પ્રક્રિયાના ભાગરુપે બે-ચાર વ્યક્તિઓની સાથે મુલાકાત કરે છે અને પછી તેમને આ વિધિ કંટાળાજનક લાગવા માંડે છે.
માતા-પિતા માટે દીકરીઓને લગ્ન માટે રાજી કરવી વધારે મુશ્કેલ
ડો.નિધિ શાહે માતા-પિતા સાથે સંતાનોની ગેરહાજરીમાં વાતચીત કરી હતી.તેમણે કહ્યું હતું કે,
-- અમારો દીકરો કે દીકરી જાતે જ જીવનસાથી પસંદ કરી લે તેવું એટલા માટે ઈચ્છીએ છે કે, ભવિષ્યમાં લગ્ન જીવનમાં કોઈ સમસ્યા ઉભી થાય તો અમે જવાબદાર ના ઠરીએ.
---મોટાભાગનાએ કહ્યું હતું કે, હવે સગા- સબંધીઓ પણ એરેન્જ્ડ મેરેજ માટે છોકરા કે છોકરીને ભેગા કરાવતા ખચકાય છે.
--વાલીઓને અગાઉની જેમ હવે જ્ઞાાતિનો બાદ બહુ નડતો નથી.
--બહુમતી વાલીઓએ દીકરા કે દીકરીને લગ્ન માટે સંમત નહીં કરી શકાતા હોવાનું કબૂલ્યું હતું.ખાસ કરીને દીકરીઓને લગ્ન માટે રાજી કરવી તેમને મુશ્કેલ લાગતું હતું.
--ઘણાએ સંતાનના લગ્ન થવામાં વિલંબને ટેન્શનનું એક મોટું કારણ ગણાવ્યું હતું.
લગ્ન કયારે કરીશ તેવી પૂછપરછથી ભારે ચીઢ
યુવાઓને સામાજિક પ્રસંગોમાં પરિવારજનો કે પરિચિતો લગ્ન કયારે કરશો તેવી પૂછપરછથી ભારે ચીઢ છે.મોટાભાગનાએ કહ્યું હતું કે, આ જ બાબતના કારણે ઘણી વખત અમે સામાજિક કે પારિવારિક પ્રસંગોમાં હાજરી આપવાનું ટાળતા હોઈએ છે.
મેરેજ બ્યૂરોના વિકલ્પથી સંતોષ નથી
મેરેજ બ્યૂરોના વિકલ્પ સામે પણ ઘણાએ અસંતોષ વ્યક્ત કર્યો હતો.યુવક- યુવતીઓનું કહેવું હતું કે, મેરેજ બ્યૂરોમાં અમારે ઘણી વખત સંચાલકની મરજી પ્રમાણે પાત્રો સાથે મિટિંગ કરવી પડતી હોય છે.અમે ઈચ્છીએ તે પાત્ર સાથે વાતચીત મુશ્કેલ હોય છે.આ બાબતે તેમણે ઓનલાઈન સાઈટસને થોડા વધારે માર્કસ આપ્યા હતા.
એરેન્જ્ડ મેરેજ સ્વીકાર્ય, માત્ર સ્વરુપ બદલાતું રહ્યું છે
ડો.નિધિ શાહ અને પ્રો.શગુફા કાપડિયાનું કહેવું છે કે, એરેન્જ્ડ મેરેજ એ કોઈ સ્થાયી સામાજિક સંસ્થા નથી પણ સમય અને સંજોગો અનુસાર પરિવારો, વ્યક્તિઓ આ પરંપરાના સ્વરુપમાં ફેરફારો કરતા રહ્યા છે. એરેજન્ડ મેરેજ આજે પણ પ્રસ્તુત છે.યુવાઓને તેમાં કશું ખોટું કે વાંધાજનક લાગતું નથી.




