Baroda

ડોક્ટર સૂઈ ગયા છે... તેવા જવાબથી નારાજ દર્દીના સગાઓનો હોબાળો

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરાના છાણી અર્બન હેલ્થ સેન્ટરમાં દંપતી સાથે સિક્યુરિટી ગાર્ડ અને સ્ટાફના ગેરવર્તનના આક્ષેપ સાથે દર્દીના સગાઓએ હોબાળો મચાવ્યો. ઝાડા-ઊલટીથી પીડાતા શશીકાંત પરમારને સારવાર ન મળતા, સયાજી હોસ્પિટલ જવાનું કહેવાયું. વિવાદ બાદ દાખલ કરાયા, પરંતુ સ્ટાફની બેદરકારી જોવા મળી. સેન્ટર ઇન્ચાર્જે તપાસ અને કાર્યવાહીની ખાતરી આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

ડોક્ટર સૂઈ ગયા છે... તેવા જવાબથી નારાજ દર્દીના સગાઓનો હોબાળો

છાણી અર્બન હેલ્થ સેન્ટર ખાતે સારવાર માટે પહોંચેલા દંપતી સાથે સિક્યુરિટી ગાર્ડ અને સ્ટાફે અયોગ્ય વર્તન કર્યું હોવાના આક્ષેપ સાથે દર્દીના સગાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

છાણી ખાતે રહેતા ૩૫ વર્ષના શશીકાંત પરમારની ૨૮મી તારીખે રાત્રે ૧૦ વાગ્યે ઝાડા-ઊલટીના કારણે તબિયત લથડી હતી. શશીકાંત પરમાર તેમની પત્ની દર્શના પરમાર સાથે સારવાર માટે છાણી અર્બન હેલ્થ સેન્ટર ખાતે પહોંચ્યા હતા. અહીં તબીબે ઇન્જેક્શન આપી ઘરે જવા જણાવ્યું હતું અને તબિયત વધુ બગડે તો પરત આવવા કહ્યું હતું.

દર્શનાબેને કહ્યું કે  ઇન્જેક્શન આપ્યા બાદ ઘરે મોકલી આપ્યા હતા. જોકે રાત્રે ૧.૩૦ વાગ્યે શશીકાંતની તબિયત વધુ લથડતાં અમે  ફરીથી અર્બન હેલ્થ સેન્ટર ખાતે આવ્યા હતા. આ સમયે સિક્યુરિટી ગાર્ડે તબીબ સૂઈ ગયા હોવાનું કહી સયાજી હોસ્પિટલ ખાતે જતા રહેવા અમને જણાવ્યું હતું.

દર્દીના સંબંધી હર્ષ મકવાણાએ કહ્યું કે અર્બન હેલ્થ સેન્ટર ખાતે એમ્બ્યુલન્સ હોવા છતાં તેમને ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરી દર્દીને સયાજી હોસ્પિટલ લઈ જવા જણાવાયું હતું. વિવાદ બાદ દર્દીને દાખલ કરાયો હતો. જોકે બોટલ બદલવાના સમયે સ્ટાફ હાજર ન હોવાથી સંબંધીએ પોતે દર્દીની બોટલ બદલવી પડી હતી.  સોનોગ્રાફી મશીન હોવા છતાં દર્દીઓને તપાસ માટે સયાજી હોસ્પિટલ સુધી ધક્કા ખવડાવવામાં આવે છે. નર્સ અને અન્ય સ્ટાફ એસી રૃમમાં જઈ સૂઈ જાય છે.

સેન્ટર ઇન્ચાર્જ તબીબ પીયૂષ રાઠોડે કહ્યું કે  સમગ્ર મામલાની ઉચ્ચ અધિકારીને જાણ કરી તપાસ કરાશે અને જે કોઈ જવાબદાર જણાશે તેની સામે જરૃરી કાર્યવાહી કરાશે. અત્રે યાદ અપાવવું જરૃરી છે કે, સપ્તાહ અગાઉ વારસિયા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પણ મહિલા દર્દી સાથે સિક્યુરિટી ગાર્ડ અને સ્ટાફ દ્વારા અયોગ્ય વર્તન કરાયાનો મામલો વારસિયા પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.