આજવારોડ પર આવેલા પેટ્રોલ પંપનો મેનેજર ૧.૨૦ કરોડની ઉચાપત કરી ચિઠ્ઠી લખીને જતો રહ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આજવારોડના પેટ્રોલપંપ પર નોકરી કરતા મેનેજરે હિસાબમાં ચેડાં કરી ૧.૨૦ કરોડ રૃપિયાની ઉચાપત કરી હતી.ત્યારબાદ ચિઠ્ઠી લખી તે વડોદરા છોડીને જતો રહ્યો હતો. જે અંગે કપુરાઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજવારોડ સયાજીપુરા નજીક આવેલા પાયોનિયર પેટ્રોલિયમના ભાગીદાર ધર્મેશભાઇ પટેલે (રહે.કાર્પોશિરોમણી ટાવર, ડફનાળા રોડ, શાહીબાગ, અમદાવાદ) કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૧૫ થી અમારા પેટ્રોલ પંપ પર મેનેજર તરીકે સંજય ત્રિભોવનભાઇ પટેલ (રહે. શ્રી સિદ્ધનાથ, ઓમકારા, વી.આઇ.પી.રોડ) તરીકે હતા. ૩૧ મી માર્ચે હિસાબો પર મેનેજર સહિત ચાર સ્ટાફની સહીઓ કરાવી હતી. ત્યારબાદ સંજય પટેલ ટેબલના ડ્રોવરમાં ચિઠ્ઠી મૂકીને જતો રહ્યો હતો.
જેમાં ઉલ્લેખ કર્યો હતો કે, પેટ્રોલ પંપ પર બહુ મોટી ગરબડ કરેલ છે. તેણે ગરબડ કર્યાની આંકડાકીય વિગતો પણ લખી છે. તદુપરાંત ચિઠ્ઠીના અંતમાં માફી માંગીને તેઓ કોઇને કહ્યા વગર વડોદરા છોડીને જતા રહ્યા હોવાનો ઉલ્લેખ છે. તેમજ મને શોધવાનો પ્રયાસ કરવો નહીં. તેવું જણાવ્યું છે.સંજયની પત્ની અમારી બીજી સંસ્થા ઓમ ગાયત્રી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્ટેલમાં વોર્ડન તરીકે જોબ કરતી હોઇ તેને આજીજી કરી હતી કે, મારા પતિ પર કોઇ પોલીસ ફરિયાદ કરશો નહીં, અમે નુકસાનીની રકમ ભરપાઇ કરી આપવા બંધાયેલા છીએ. પરંતુ, તેમના તરફથી કોઇ સંતોષકારક જવાબ આપ્યો નથી. અમારી સંસ્થાના નાણાંકીય હિસાબોનું ઓડિટ કરતા જણાઇ આવ્યું હતું કે, રોજેરોજનું કેશ કલેક્શન બેંકમાં જમા કરાવવાના બદલે તેમાંથી બારોબાર રકમ પચાવી પાડી ઉચાપત કરી છે. સ્ટોક રજીસ્ટરના આંકડામાં છેડછાડ કરી ખોટા હિસાબો બતાવ્યા છે. ખોટી એન્ટ્રીઓ પાડી છે. તેમજ સ્ટોક અને મીટર રિડીગમાં ગરબડ કરી છે. ઓડિટ રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે, સંજય પટેલે ૧.૨૦ કરોડની ઉચાપત કરી છે.




