Baroda

ટીમ માટે રમવાનું જ લક્ષ્ય હતું, વ્યક્તિગત સિદ્ધિ નહીં : લોર્ડ્ઝમાં સદી ફટકારનાર વડોદરાની યાસ્તિકા ભાટિયાનું નિવેદન

By GS Team
18 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરાની યાસ્તિકા ભાટિયાએ લોર્ડ્ઝ ખાતે સદી ફટકારી ઇતિહાસ રચ્યો છે. લોર્ડ્ઝ પર સદી ફટકારનાર તે પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. તેણે જણાવ્યું કે, પડકારજનક પીચ પર ટીમ માટે સારો સ્કોર કરવાનો લક્ષ્ય હતો. સદી બાદ મહાકાલ દર્શન જેવી દિવ્ય અનુભૂતિ થઈ. ભારતને વર્લ્ડ કપ અને ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીતાડવાનું તેનું સ્વપ્ન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટીમ માટે રમવાનું જ લક્ષ્ય હતું, વ્યક્તિગત સિદ્ધિ નહીં : લોર્ડ્ઝમાં સદી ફટકારનાર વડોદરાની યાસ્તિકા ભાટિયાનું નિવેદન

Vadodara: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વિકેટકીપર અને ડાબોડી બેટ્સમેન યાસ્તિકા ભાટિયાએ ઐતિહાસિક લોર્ડ્ઝ ક્રિકેટ મેદાન પર સદી ફટકારી નવો ઇતિહાસ રચ્યો છે. લોર્ડ્ઝ ખાતે સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યા બાદ યાસ્તિકા ભાટિયાએ પોતાની ઇનિંગ્સ, ટીમ માટેની પ્રતિબદ્ધતા અને ભવિષ્યના લક્ષ્યાંકો અંગે મનની વાત વ્યક્ત કરી હતી.

યાસ્તિકા ભાટિયાએ જણાવ્યું હતું કે લોર્ડ્ઝની વિકેટમાં ઢાળ (સ્લોપ) હોવાથી ત્યાં બેટિંગ કરવી પડકારજનક રહે છે. તેમ છતાં બેટિંગ દરમિયાન તેમનું સંપૂર્ણ ધ્યાન વ્યક્તિગત સિદ્ધિ પર નહીં પરંતુ ટીમ માટે સારો સ્કોર ઊભો કરવાનો હતો. તેમણે કહ્યું કે શક્ય તેટલો વધુ સમય મેદાન પર ટકી રહેવાનો મારો પ્રયાસ રહે છે અને તે મારી રમત માટે પણ લાભદાયી સાબિત થાય છે.

તેમણે જણાવ્યું હતું કે સદી પૂર્ણ કરવાની ક્ષણ અત્યંત રોમાંચક હતી, પરંતુ સાથે થોડું ગભરાટ પણ અનુભવાતો હતો. જોકે તેમણે રક્ષણાત્મક રમત કે માત્ર એક-એક રન લેવા કરતાં બોલરની બોલિંગને ધ્યાનમાં રાખીને આક્રમક બેટિંગ કરી હતી. આક્રમક બેટિંગ મારી સૌથી મોટી તાકાત રહી હોવાનું પણ તેમણે જણાવ્યું.

સદી પૂર્ણ કર્યા બાદની લાગણી વિશે યાસ્તિકાએ કહ્યું કે, "ઉજ્જૈનમાં મહાકાલના દર્શન વખતે જે દિવ્ય અનુભૂતિ થાય છે અને ગુરુદેવ દત્ત ભગવાનના ચરણોમાં જે શાંતિનો અનુભવ થાય છે, તેવી જ લાગણી સદી પૂર્ણ કર્યા બાદ અનુભવાઈ હતી."

ભવિષ્યના લક્ષ્યાંકો અંગે યાસ્તિકા ભાટિયાએ જણાવ્યું હતું કે ભારત માટે સૌથી વધુ મેચ જીતવી અને ભારતીય મહિલા ટીમને વર્લ્ડ કપ જીતાડવો તેમનો મુખ્ય ધ્યેય છે. ઉપરાંત ઓલિમ્પિકમાં ભારત માટે સુવર્ણ ચંદ્રક જીતવાની પણ તેમની પ્રબળ ઈચ્છા છે.

તેમણે વધુમાં કહ્યું કે ભવિષ્યમાં જો ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું સુકાનીપદ સંભાળવાની તક મળશે તો તે જવાબદારી પણ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણથી નિભાવશે.