Baroda

રેલવેના અધિકારીઓ વચ્ચેનો ઝઘડો ચરમસીમા પર CTIને પૈસા લેતા રંગે હાથ ઝડપ્યો તો સોશિયલ મીડિયામાં બદનામ કર્યા

By GS Team
2 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં રેલવે અધિકારીઓ વચ્ચેનો ઝઘડો વકર્યો છે. ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર આર.પી. બડગુજરને પૈસા લઈ ટ્રેનમાં સીટ આપતા ઝડપાયા બાદ, તેમણે બદલાની ભાવનાથી રેલવે અધિકારીઓને બદનામ કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરાવી હતી. આ મામલે ટિકિટ ચેકર સહિત 2 સામે IT એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આ ઘટનાથી રેલવેમાં આંતરિક કલહ ચર્ચામાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેલવેના અધિકારીઓ વચ્ચેનો ઝઘડો ચરમસીમા પર CTIને પૈસા લેતા રંગે હાથ ઝડપ્યો તો સોશિયલ મીડિયામાં બદનામ કર્યા

રેલવેમાં અધિકારીઓ વચ્ચેનો ઝઘડો ચરમસીમા પર પહોંચ્યો છે. ટ્રેનના એસી કોચમાં પૈસા લઇને પ્રવાસીઓને સીટ આપતા ઝડપાયેલા એક ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટરે બદલાની ભાવના રાખી રેલવેના અધિકારીઓની બદનામી થાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં અન્ય શખ્સ દ્વારા વાયરલ કરાવતા ટિકિટ ચેકર સહિત બે સામે આઇટી એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.
વડોદરાના જે.પી. રોડ પર આવેલ અક્ષરધામ ટેનામેન્ટમાં રહેતા નવલકિશોર ગોપાલકિશોર ગેરોલાએ એક્સ એકાઉન્ટ ધરાવતા અંકિત પાંડે તેમજ સીટીઆઇ આર.પી. બડગુજર સામે રેલવે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું વડોદરામાં ચીફ લગેજ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું. આર.પી. બડગુજર (સીટીઆઇ) પ્રવાસીઓ પાસેથી પૈસા લઇ ટ્રેનમાં સીટ આપે છે તેવી ફરિયાદના પગલે ડીકોય છટકું ગોઠવીને જૂન માસમાં તેમને ઝડપી પાડયા હતાં.
આ ઘટના બાદ ઓગસ્ટ માસમાં અંકિત પાન્ડે ૭ નામના એક્સ એકાઉન્ટ પરથી મારા, સિનિયર ડીસીએમ નરેન્દ્રકુમાર તેમજ અન્ય સાથી કર્મચારીઓના ફોટા અને રેકોર્ડિંગનો ખોટી રેતી ઉપયોગ કરી એડિટ કરેલો એક વીડિયો બનાવી ભારતીય રેલવે બદનામ થાય તેવી ભ્રામિક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ મારા સહ કર્મચારી દ્વારા ધ્યાને લાવવામાં આવી હતી. ત્યારબાદ પણ અંકિત પાન્ડે ૭ નામના એક્સ એકાઉન્ટ પરથી અન્ય બીજી ઘણી બધી પોસ્ટ મારા ફોટાઓ સાથેની વાયરલ કરવામાં આવી હતી.
મારી પરવાનગી ના હોવા છતાં મારા ફોટાનો દુરુપયોગ તેમજ મારી સાથે બડગુજર સાથેની વાતચીતના રેકોર્ડિંગનો માત્ર ૩૦ સેકન્ડનો ઉપયોગ કરી તેને મનઘડત રીતે મરોડીને મારા તેમજ અમારા સિનિયર ડીસીએમ અને અન્ય સાથી કર્મચારીઓના ફોટાઓનો ઉપયોગ કરી વાયરલ કર્યા છે. ખોટા અને એડિટેડ ઓડીયો તેમજ વીડિયોના કારણે સમાજમાં અને રેલવે વિભાગમાં મારી તેમજ પરિવારની તેમજ રેલવેની પ્રતિષ્ઠાને ગંભીર ઠેસ પહોંચાડી બદનક્ષી કરી છે.

બડગુજરે રૃા.૫૦૦ લઇને ટ્રેનમાં પ્રવાસીને સીટ આપી હતી

ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર આર.પી. બડગુજર પ્રવાસીઓ પાસેથી પૈસા લઇ ટ્રેનમાં સીટ આપતા હોવાની ફરિયાદના પગલે ડીસીએમ નરેન્દ્રકુમારના આદેશથી ડીકોય છટકું ગોઠવવામાં આવ્યું હતું. દાદર-એકતાનગર એક્સપ્રેસ કોચના એ-૧માં આર.પી. બડગુજર રૃા.૫૦૦ આપીને સીટ આપતા રંગે હાથ ઝડપાઇ ગયા હતાં જે અંગેનો રિપોર્ટ પણ ઉચ્ચ રેલવે અધિકારીઓને કરાયો હતો. આ ઘટના બાદ રેલવેમાં ચાલતા આંતરિક કલહનો મુદ્દો ભારે ચર્ચામાં છે.

પૈસાની કોઇ લેવડ દેવડ થઇ નથી તેવો બચાવ

વડોદરા રેલવેમાં ચીફ લગેજ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા નવલકિશોરે પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે હું કોઇપણ પૈસાની લેવડ-દેવડમાં સામેલ નથી, જ્યારે વાસ્તવમાં મેં સામેથી બડગુજરને સામેથી કોઇ ફોન કર્યા નથી અને પૈસાની પણ લેવડ દેવડ થઇ નથી. બડગુજરે બદલાની ભાવનાથી મારી અને રેલવે બદનામ થાય તેવી પોસ્ટ કરાવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અંકિત પાન્ડે નામનો શખ્સ માંજલપુરમાં રહેતો હોવાનું બહાર આવ્યું છે.