Baroda

મહિલા એન્જિનિયર હજી ઝડપાઇ નથી લાંચની ૯ ટકા રકમ ટકાવારી મુજબ સાત જણાને આપવાની હતી

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરાના શિનોર તાલુકામાં સ્વચ્છ ભારત મિશનના બિલ પાસ કરવા 25,000 રૂપિયાની લાંચ માંગનાર મહિલા એન્જિનિયર નિધિ તડવી ફરાર છે. ACBએ તેના મિત્ર આશુતોષ પાઠકને ફતેગંજથી લાંચ લેતા ઝડપી જેલભેગો કર્યો. તપાસમાં ખુલાસો થયો કે લાંચની રકમમાં અધિકારીઓ સહિત 7% ટકાવારી વહેંચાતી હતી. ACB ફરાર એન્જિનિયરને શોધવા તપાસ ચલાવી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહિલા એન્જિનિયર હજી ઝડપાઇ નથી લાંચની ૯ ટકા રકમ ટકાવારી મુજબ સાત જણાને આપવાની  હતી

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં થયેલા કામોના બિલો પાસ કરવા માટે તાલુકા પંચાયતમાં સ્વચ્છ ભારત મિશનના મહિલા એન્જિનિયર રૃા.૨૫ હજાર લાંચની રકમના કેસમાં હજી ફરાર છે જ્યારે તેના મિત્રને જેલમાં મોકલી દેવાયો છે. લાંચની રકમની ટકાવારી નક્કી થઇ હતી જે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શિનોર તાલુકાના વિવિધ ગામોમાં થયેલા કામોનું બિલ પાસ કરવા માટે શિનોર તાલુકા પંચાયતમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આઉટસોર્સથી કામ કરતા મહિલા એન્જિનિયર નિધિ રમેશ તડવી (રહે.ગોવિંદપાર્ક સોસાયટી, ડભોઇ, મૂળ વાડજ ગામ)એ કોન્ટ્રાક્ટર પાસે ૯ ટકા લેખે રૃા.૨૫ હજારની લાંચની રકમ માંગી હતી.
મહિલા એન્જિનિયરની વારંવાર ઉઘરાણીથી કંટાળી કોન્ટ્રાક્ટરે એસીબીમાં ફરિયાદ કરતા ગઇકાલે એસીબીએ છટકું ગોઠવી લાંચની રકમ ફતેગંજ ખાતે લેવા આવેલા એન્જિનિયરના મિત્ર આશુતોષ ઉમાકાંત પાઠક (રહે.અર્બન રેસિડેન્સી, પરિવાર ચાર રસ્તા પાસે, વાઘોડિયારોડ)ને લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. દરમિયાન આજે તેને કોર્ટમાં રજૂ કરતા જેલમાં મોકલી દેવાયો છે.
એસીબીની તપાસમાં એવી વિગત બહાર આવી છે કે મહિલા એન્જિનિયરે કોન્ટ્રાક્ટરને મેસેજ કર્યો હતો કે મારે બધાને રૃપિયા આપવાના હોય છે જેમાં ૨ ટકા સાહેબના, ૧ ટકો ઓડીટ, ૧ ટકો બ્લોક, ૧ ટકો ક્લસ્ટર, ૧ ટકો સરપંચ અને ૧ ટકો તલાટીનો સમાવેશ થાય છે. એસીબી દ્વારા એ તપાસ કરવામાં આવે છે કે એન્જિનિયરે લાંચની આ રકમ વહેંચવાની હતી કે જેમના નામો છે તેમના નામે પોતે પૈસા લીધા છે. એસીબીએ મહિલા એન્જિનિયરને ઝડપી પાડવા તેના ડભોઇ ખાતેના ઘેર તપાસ કરી છતા તે મળ્યા ન હતાં.