કોન્ટ્રાક્ટ લંબાવવાની દરખાસ્તનો વિવાદ મુખ્યમંત્રી સુધી પહોંચ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મ્યુનિ.કોર્પોરેશનમાં સત્તાધીશો દ્વારા માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા ઈજારાની મુદત સાથે નાણાકીય મર્યાદા વધારી આપવાનો ચીલો પડયો હોવાની ચર્ચા વચ્ચે આવા વધુ ચાર કામોની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ થતા વિવાદ સર્જાયો છે. પૂર્વ વિપક્ષી નેતાએ મુખ્યમંત્રીને આ મામલે લેખિત રજૂઆત કરી વિવાદિત તમામ દરખાસ્તો નામંજૂર કરી નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા માગણી કરી છે.
રજૂઆતમાં જણાવાયા મુજબ, આવતીકાલે શુક્રવારે યોજાનારી સ્થાયી સમિતિની બેઠકમાં વરસાદી ગટરની સફાઈ અને સમારકામ માટે ખુશી એન્ટરપ્રાઈઝ, વિરલ ટ્રેડર્સ અને જયસ્વાલ ડેવલોપર્સના વાર્ષિક ઈજારાની સમય અને નાણાંકીય મર્યાદામાં વધારો કરવાની ચાર દરખાસ્તો મ્યુનિ.કમિશ્નર તરફથી મંજૂરી માટે રજૂ થઈ છે. આ તમામ દરખાસ્તો ગેરકાયદે હોવાની રજૂઆત થઈ છે.
વધુમાં ઉમેર્યું કે સીવીસીની ગાઈડલાઈન મુજબ એક જ કામને અવારનવાર એક્ષટેન્શન આપી શકાય નહીં, જો આપવું હોય તો ઈજારો પૂર્ણ થતાં પહેલા પ્રક્રિયા કરવી જરૃરી છે. ઈજારો પૂર્ણ થયાના છ મહિના બાદ ઈજારાની મુદત અને નાણાકીય મર્યાદામાં વધારો કરવો ગેરકાયદે કૃત્ય છે. કોન્ટ્રાક્ટ એક્ટ મુજબ ઈજારાની તારીખ પૂર્ણ થતા કોન્ટ્રાક્ટ રદ થઈ જાય છે.
વધુમાં રજૂઆત મુજબ, સીવીસી ગાઈડલાઈન, કોન્ટ્રાક્ટ એકટ તથા અન્ય નિયમો અને કલમોની જોગવાઈનું ઉલ્લંઘન કરી મ્યુનિ.કમિશ્નર દ્વારા કાયદાની ઉપરવટ જઈને આ દરખાસ્તો મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ ગેરકાયદે રજૂ કરાઈ છે. આ તમામ કામો નામંજૂર કરી નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા જણાવાયું છે.
આ ઉપરાંત, કાયદા વિરૃધ્ધનું કૃત્ય કરનાર જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ રજૂઆતમાં જણાવાયું છે. અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાનો તખ્તો ઘડાયો હોઈ આવા કૃત્ય પર રોક લગાવવામાં નહીં આવે તો ન્યાય માટે અદાલતના દ્વાર ખટખટાવાશે તેવું જણાવાયું છે.



