પીએચડીની સૌથી મોટી પ્રવેશ પ્રક્રિયા, 621 ખાલી જગ્યાઓ પર એડમિશન અપાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીમાં પીએચડી કરવા માગતા ઉમેદવારો માટે સૌથી મોટી પૈકીની એક ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે.વિવિધ ફેકલ્ટીઓમાં થઈને ૬૨૧ જગ્યાઓ માટે ૩૯૪ ઉમેદવારોની રજિસ્ટ્રેશન ફી ભરાઈ છે.યુનિવર્સિટીના સૂત્રોએ કહ્યું હતું કે, પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરનારા ઉમેદવારો તથા નેટ પરીક્ષા પાસ કરવાની સાથે જેઆરએફ જેવી રાષ્ટ્રીય સ્તરની સ્કોલરશિપ મેળવનારા ઉમેદવારોને એડમિશન માટે સીધી તક આપવામાં આવી છે.
જોકે પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરનારા ઉમેદવારોએ યુનિવર્સિટીના પોર્ટલ પર તા.૨૮ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી સાથે રજિસ્ટ્રેશન કરવાનું હતું.આ પ્રક્રિયાને લઈને વિવાદ સર્જાયો છે.કારણકે અધ્યાપક આલમમાં ચાલતી ચર્ચા પ્રમાણે પીએચડી એન્ટ્રન્સ પાસ કરનારા અને ખાસ કરીને બહારગામના ઉમેદવારોને તો નોટિફિકેશનની જાણકારી મળી જ નહોતી.જેના કારણે તેઓ રજિસ્ટ્રેશન કરાવી શક્યા નથી.
આ નોટિફિકેશન ફેકલ્ટીઓના ડીન અને હેડને મોકલવામાં આવ્યું હતું પણ કેટલાકે હેડે ઉમેદવારો સુધી તેની જાણકારી પહોંચાડવામાં પણ આળસ કરી હતી.ઉપરાંત તા.૩૦ સપ્ટેમ્બર સુધી તો ફેકલ્ટીઓના ડીન પાસે પાસ થયેલા ઉમેદવારોનું લિસ્ટ પણ નહીં હોવાથી આ નોટિફિકેશન કોને મોકલવું તેની પણ મૂંઝવણ હતી.જે ઉમેદવારો યુનિવર્સિટીના વિવિધ વિભાગો સાથે નિયમિત સંપર્કમાં હતા તેમને જ આ બાબતની જાણકારી મળી હતી અને તેઓ રજિસ્ટ્રેશન કરાવી શક્યા હતા.
દરેક ફેકલ્ટીમાં પીએચડીની જગ્યાઓ સામે રજિસ્ટ્રેશન
ફેકલ્ટી બેઠકો રજિ
આર્ટસ ૭૧ ૭૪
કોમર્સ ૧૧૭ ૬૯
એજ્યુકેશન ૩ ૬
હોમસાયન્સ ૪૧ ૨૨
ફાઈન આર્ટસ ૪ ૨
લો ૯ ૨૪
મેનેજમેન્ટ ૪ ૧૦
પરફોર્મિંગ આર્ટસ ૨૦ ૨૩
ફાર્મસી ૧૨ ૭
સાયન્સ ૧૫૬ ૬૯
સોશ્યલવર્ક ૪ ૧૪
ટેકનોલોજી ૧૮૦ ૭૪
પીએચડીની જગ્યાઓ માટે રોસ્ટરનો અભાવ
સૂત્રોનું કહેવું છે કે, ૨૦૨૪થી યુનિવર્સિટીમાં પીએચડીની જગ્યાઓ માટે ૨૦૨૪થી રોસ્ટર અમલમાં મૂકાયું છે.જેના કારણે અનામત કેટેગરી અને જનરલ કેટેગરીની જગ્યાઓનો રેકોર્ડ રાખવાનો હોય છે.જોકે યુનિવર્સિટીના ભાગ્યે જ કોઈ ડિપાર્ટમેન્ટે આ પ્રકારનો રેકોર્ડ રાખવાની તસ્દી લીધી છે.જેના કારણે અનામત કેટેગરી માટે પીએચડીમાં કેટલી જગ્યાઓ છે અને જનરલ કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે તેની કોઈ સ્પ્ટતા નથી.
રજિસ્ટ્રેશનનું નોટિફિકેશન વેબસાઈટ પર પણ હતું
યુનિવર્સિટીના પીએચડી કો ઓર્ડિનેટર પ્રો.પુષ્પનાધને કહ્યું હતું કે, રજિસ્ટ્રેશન માટેનું નોટિફિકેશન યુનિવર્સિટીની વેબસાઈટ પર પણ મૂકવામાં આવ્યું હતું અને તે તમામ ઉમેદવારો જોઈ શકે તેમ હતા એટલે ઉમેદવારોને રજિસ્ટ્રેશનની જાણકારી નથી તે વાત ગળે ઉતરે તેવી નથી.ઉપરાંત રજિસ્ટ્રેશનની પ્રક્રિયા યુજીસીના ધારાધોરણ પ્રમાણે કરાઈ છે.
૧૫૦૦ની ફી ભર્યા પછી પણ ૧૦૦૦ રુપિયા રજિસ્ટ્રેશન ચાર્જ
પીએચડીના ઉેમદવારો પાસે એન્ટ્રન્સ ટેસ્ટની તો ૧૫૦૦ રુપિયા ફી લેવામાં આવી જ હતી પણ એ પછી રજિસ્ટ્રેશન માટે પણ ૧૦૦૦ રુપિયા ચાર્જ રાખવામાં આવ્યો હતો.જેની સામે પણ અસંતોષ જોવા મળી રહ્યો છે.
તા.૬ ઓકટોબર સુધી ઉમેદવારનું પ્રેઝન્ટેશન ચાલશે
રજિસ્ટ્રેશન થયા બાદ સુધી પીએચડીના ઉમેદવારોનુ દરેક ફેકલ્ટીના દરેક વિભાગમાં પ્રેઝન્ટેશન યોજવામાં આવી રહ્યું છે.તા.૬ ઓકટોબર સુધી આ પ્રેઝન્ટેશન ચાલશે.તા.૭ ઓકટોબર સુધીમાં દરેક ફેકલ્ટીએ ઉમેદવાર અને તેને ફાળવવામાં આવેલા ગાઈડનું લિસ્ટ યુનિવર્સિટીને મોકલી આપવાનું રહેશે.ઉમેદવારોએ તા.૭ થી ૧૨ ઓકટોબરની વચ્ચે ઓનલાઈન ફી ભરવાની રહેશે.




