દિવ્યાંગો માટેની એપ કોઈ પણ વસ્તુને ઓળખશે, બોલીને લખીને અને સંભળાવીને જાણકારી આપશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પ્રજ્ઞાાચક્ષુ, ઓછુ જોઈ શકતા કે મૂક બધિર લોકો માટે સમાજ સાથે સંવાદ કરવો કે જાહેર સ્થળોએ અવર જવર કરવી હંમેશા પડકારજનક હોય છે.આવા દિવ્યાંગજનોને સાચા અર્થમાં સહારો મળી શકે તેવી એપ વડોદરા નજીક કુંઢેલા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટીના કોમ્પ્યુટર વિભાગના પ્રોફેસર ડો.વિશ્વાસ રાવલે વિકસાવી છે.
ડો.રાવલ આ એપ ડેવલપ કરવા માટે પાંચ વર્ષથી મહેનત કરી રહ્યા હતા.તેમનું કહેવું છે કે, દિવ્યાંગો માટે ઉપલબ્ધ આ પ્રકારની બીજી એપથી વિપરિત અમે બનાવેલી દિવ્ય દ્રષ્ટિ એપ એન્ડ્રોઈડ આધારિત છે અને તેનો ઉપયોગ કરવા માટે ઈન્ટરનેટની જરુર નથી.ઉપરાંત તેના પર કોઈ જાહેરખબર પણ નહીં હોય અને તેનો ઉપયોગ દિવ્યાંગો વિના મૂલ્યે કરી શકશે.આ એપને જન્માષ્ટમીના દિવસે અમે લોન્ચ કરીશું.
તેમના કહેવા અનુસાર એપની મુખ્ય ચાર ખાસિયતો છે.એપ ડાઉનલોડ કર્યા બાદ ફોનનો પાછળનો કેમેરા સામે રાખવાથી એપ આસપાસના માહોલનું વિશ્લેષણ કરે છે અને યુઝરને બોલીને તેની જાણકારી આપે છે.એપ રોજિંદા જીવનમાં ઉપયોગી વાહનો, પ્રાણીઓ, ફર્નિચર, ઈલેક્ટ્રોનિક ઉપકરણો સહિતની ૮૦ કેટેગરીની વસ્તુઓને ઓળખી શકે છે.ઉપરાંત સામેથી આવતી કોઈ વ્યક્તિ કે વસ્તુ બે થી ત્રણ મીટર દુર હોય ત્યારે તે યુઝરને તેની માહિતી આપે છે.નજીક આવતા વાહનો કે પ્રાણીઓને જોખમ તરીકે ઓળખીને સાવચેત કરે છે.
જે લોકો બોલી નથી શકતા તેવા લોકો મોબાઈલમાં ટાઈપ કરે તો એપ તેને વાંચી સંભળાવે છે અને જે લોકો સાંભળી નથી શકતા તેવા લોકો માટે આ એપ સામેની વ્યક્તિ જે બોલે છે તેને સ્ક્રીન પર મોટા અને સ્પષ્ટ શબ્દોમાં લખીને દર્શાવે છે.દરેક વાક્ય બાદ આપમેળે તે ચાલુ રહે છે.
ચલણી નોટોને પારખી શકે છે, લેબલ પણ વાંચી શકે છે
--દવાઓના પેકેટ, બોર્ડ, લેબલ પરનું અંગ્રેજી, હિન્દી અને મરાઠી લખાણ વાંચી શકે છે
--ભારતીય ચલણની તમામ પ્રકારની નોટોને ઓળખી શકે છે
--વાહનો પરના લખાણથી એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર કે પોલીસના વાહનની ઓળખ
--સ્ક્રીન પર ચાર જગ્યાએ ટેપ કરવામાં આવે તો મોબાઈલમાં રહેલા કોન્ટેન્કટ નંબરો પર ઈમરજન્સીનો મેસેજ આપોઆપ મોકલે છે
--૧૪ ભારતીય ભાષાઓને ધ્યાનમાં રાખીને એપ ડિઝાઈન કરાઈ છે
--હોમસ્ક્રીન પર ચાર કેટેગરી જ છે.જે સરળતાથી ઓપરેટ થઈ શકે છે
--ભવિષ્યમાં એઆઈ આધારિત ભારતીય સાંકેતિક ભાષાનો વિકલ્પ પણ ઉમેરાશે
--યુઝ કરનાર વ્યક્તિનો ડેટા માત્ર મોબાઈલમાં જ રહે છે
ટેકનોલોજી ભરોસાપાત્ર પણ હોવી જોઈએ
ટેકનોલોજી માત્ર સ્માર્ટ હોવી પૂરતી નથી.તે સુલભ, ભરોસાપાત્ર અને પ્રામાણિક હોવી જોઈએ ઉપરાંત યુઝરની ગોપનિયતાનું પણ રક્ષણ થવું જોઈએ.દિવ્યાંગોને પડતી મુશ્કેલીઓને જોઈને મેં એપ ડેવલપ કરવાનું નક્કી કર્યું હતું.
ડો.વિશ્વાસ રાવલ
પ્રોફેસર, સેન્ટ્રલ યુનિવર્સિટી




