મુસાફરોની સલામતી સામે તંત્રના આંખ આડા કાન : સ્માર્ટ સિટીની બસોમાં જોખમી મુસાફરી, મુસાફરો ટીંગાઈને મુસાફરી કરતા નજરે પડ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરમાં મુસાફરોની સલામતીને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સીટી બસ હોય કે ખાનગી વાહન, ક્ષમતા કરતા વધુ મુસાફરોનું વહન કરી ખુલ્લેઆમ નિયમોનું ઉલ્લંઘન થતું હોવા છતાં તંત્ર મુક્ત પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યું હોવાની ચર્ચા છે. સામાન્ય નાગરિકને નિયમોના ભંગ બદલ દંડ ફટકારતું તંત્ર મુસાફરોની સુરક્ષાના મામલે આંખ આડા કાન કેમ કરે છે તેવો સવાલ ઉઠી રહ્યો છે.
શહેરના અમિતનગર સર્કલ, સોમા તળાવ સહિતના વિસ્તારોમાં આજે પણ ગેરકાયદે અને જોખમી મુસાફરીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મુસાફરોની સંખ્યા સામે સુવિધા અને ક્ષમતા કેટલી છે તે અંગેના નિયમોનું પાલન થાય છે કે નહીં તે પણ સવાલના ઘેરામાં છે.
બીજી તરફ સ્માર્ટ સિટી વડોદરાની સીટી બસોની સ્થિતિ પણ ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે. ખીચોખીચ ભરેલી બસોમાં અવારનવાર મુસાફરો જીવના જોખમે દરવાજા પાસે બહાર ટીંગાઈને મુસાફરી કરતા જોવા મળે છે. આજે ફરી એક વખત દંતેશ્વરથી રેલવે સ્ટેશન તરફ જઈ રહેલી સીટી બસમાં મુસાફરો જોખમી રીતે મુસાફરી કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
મુસાફરોના જીવ સાથે ચેડાં કરતી આ સ્થિતિ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી થવી જરૂરી છે. એક તરફ સામાન્ય નાગરિક પાસેથી ટ્રાફિક નિયમોના પાલનની અપેક્ષા રાખવામાં આવે છે અને નિયમભંગ બદલ દંડ વસૂલવામાં આવે છે, તો બીજી તરફ જાહેર પરિવહન વ્યવસ્થામાં જ નિયમોનું ઉલ્લંઘન થતું હોય ત્યારે જવાબદારો સામે કાર્યવાહી કેમ નહીં? તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે.
મુસાફરોની સુરક્ષાના મામલે માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી નહીં, પરંતુ દાખલારૂપ પગલાં ભરવાની જરૂરિયાત છે. સરકારી તંત્ર હોય કે ખાનગી સંચાલક, ક્ષમતા કરતા વધુ મુસાફરોનું વહન કરનારા અને મુસાફરોને જીવના જોખમે મુસાફરી કરાવનારા સામે કડક કાર્યવાહી ક્યારે થશે તે હવે જોવાનું રહ્યું.









