Baroda

યુનિ.સત્તાધીશોને ભરતી માટે સરકારે આપેલી વધારાની સમય મર્યાદા પણ પૂરી થઈ ગઈ

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
એમ.એસ.યુનિવર્સિટીમાં 800 અધ્યાપકો અને 1200 કાયમી કર્મચારીઓની ભરતી ઘોંચમાં પડી છે. સરકારે આપેલી 30 ઓગસ્ટ સુધીની મુદ્દત પૂરી થઈ ગઈ છે. 15,000થી વધુ અરજીઓની સ્ક્રુટિની પણ શરૂ થઈ નથી. રાજકીય દબાણથી મનપસંદ ઉમેદવારોની ભરતી ટાળી રહ્યા હોવાની ચર્ચા છે, જેથી વાઇસ ચાન્સેલરની છબી ખરડાઈ ન જાય. ભરતી પ્રક્રિયા અનિશ્ચિત બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુનિ.સત્તાધીશોને ભરતી માટે  સરકારે આપેલી વધારાની સમય મર્યાદા પણ પૂરી થઈ ગઈ

એમ.એસ.યુનિવર્સિટીમાં ૮૦૦ જેટલા અધ્યાપકોની અને ૧૨૦૦ જેટલા કાયમી અધ્યાપકોની ભરતી ઘોંચમાં પડી છે.યુનિવર્સિટી સત્તાધીશોને આ માટે સરકારે આપેલું ૩૦ ઓગસ્ટ સુધીનું એક્સ્ટેન્શન પણ પૂરુ થઈ ગયું છે.આમ હવે સત્તાધીશોને સરકારને જવાબ આપવાનો ભારે પડી શકે છે.
મળતી જાણકારી અનુસાર ગત વર્ષે ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી.નવેમ્બર, ૨૦૨૫માં યુનિવર્સિટી સત્તાધીશોએ રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ પાસે ભરતી પ્રક્રિયા પૂરી કરવા માટે ૩૦ જૂન, ૨૦૨૬ સુધી સમય મર્યાદા વધારવા માટે માગણી કરી હતી. સરકારે બે મહિના વધારે એક્સ્ટેન્શ આપીને ૩૦ ઓગસ્ટ સુધીમાં પ્રક્રિયા પૂરી કરવાનો આદેશ આપ્યો હતો.ભરતી પ્રક્રિયા પૂરી કરવાનું તો બાજુ પર રહ્યું પણ જે ૧૫૦૦૦ કરતા વધારે અરજીઓ આવી છે તેની સ્ક્રુટિની પણ સત્તાધીશોએ શરુ કરી નથી.ભરતી પ્રક્રિયા માટે ઉભી કરેલી ઓફિસર ઓન સ્પેશ્યલ ડયુટીની જગ્યા બે મહિનાથી ખાલી પડી છે.
અત્યારની સ્થિતિને જોતા ઉમેદવારોના ઈન્ટરવ્યૂ વર્ષના અંત સુધીમાં શરુ થાય તેવી સ્થિતિ નથી.તાજેતરમાં મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં પણ આ મુદ્દાની ચર્ચા થઈ હતી.

માનીતા ઉમેદવારોને પસંદ કરાવવા
રાજકીય દબાણ થવાની શક્યતાથી સત્તાધીશો ભરતી ટાળી રહ્યા છે?
અગાઉ પણ રાજકીય દબાણથી પસંદગીના આક્ષેપો થયા હતા અને છેવટે ઈમેજ વીસીની ખરડાઈ હતી
અધ્યાપક આલમમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, યુનિવર્સિટી સત્તાધીશો રાજકીય દબાણના ડરથી ભરતી પ્રક્રિયા કરતા ગભરાઈ રહ્યા છે.કારણકે અગાઉ પણ ભરતી પ્રક્રિયામાં રાજકીય દબાણથી ઓછા લાયક ઉમેદવારોની ભરતીના આક્ષેપો થયા હતા અને છેવટે વાઈસ ચાન્સેલરની જ ઈમેજ ખરડાઈ હતી.માનીતાઓ માટે દબાણ કરનારાઓએ તો હાથ ખંખેરી નાંખ્યા હતા.આ વખતે પણ ઘણા ઉમેદવારો રાહ જોઈને બેઠા છે કે, ક્યારે ભરતી શરુ થાય અને રાજકીય આકાઓનું દબાણ સત્તાધીશો પર કરાવીને યુનિવર્સિટીમાં ગોઠવાઈ જઈએ.એવું પણ કહેવાઈ રહ્યું છે કે, વાઈસ ચાન્સેલર પણ આ બાબત સારી રીતે જાણે છે અને તેના કારણે સત્તાધીશો યેન કેન પ્રકારે ભરતી ટાળી રહ્યા છે.