Baroda

વડોદરા-વાઘોડિયા વચ્ચે 10 કિ.મી.નો રોડ 245 કરોડના ખર્ચ સિક્સ લેન થશે

By GS Team
23 Nov 20263 mins read
TukuTouch Logo
વડોદરા-વાઘોડિયા વચ્ચે વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને, આખરે ફોર લેન રોડને સિક્સ લેન બનાવવાની મંજૂરી મળી ગઈ છે. 10 કિ.મી. લાંબા આ રોડ માટે રૂ. 245 કરોડનો ખર્ચ થશે. બે અંડરપાસ બનવાથી 10 મિનિટમાં અંતર કપાશે. પાંચ ગામોની 25 હેક્ટર જમીન સંપાદિત કરાશે. વુડા દ્વારા 2.60 કિ.મી.નો મોડેલ રોડ પણ બનાવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા-વાઘોડિયા વચ્ચે 10 કિ.મી.નો રોડ 245 કરોડના ખર્ચ સિક્સ લેન થશે

Vadodara News : વડોદરા અને વાઘોડિયા વચ્ચે રોજે રોજ વધતા જતા ટ્રાફિકના કારણે હાલમાં ફોર લેન રોડના બદલે હવે સિક્સ લેન રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માગણી લાંબા સમયથી હતી પરંતુ સરકારે માંડ મંજૂરી આપતા તે દિશામાં કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરાથી વાઘોડિયા વચ્ચે મુખ્ય માર્ગ પર સુમનદીપ વિદ્યાપીઠ અને પારુલ યુનિવર્સિટી સહિતના ત્રણ મોટા શિક્ષણધામો આવેલા છે. આ ત્રણે શૈક્ષણિક સંકુલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ સહિતની અવરજવર સતત રહેતી હોય છે. આ ઉપરાંત વાઘોડિયા જીઆઇડીસીમાં આવેલી અનેક કંપનીઓના કારણે વાહનોની સતત આવનજાવન જોવા મળે છે. તેમજ વડોદરાથી વાઘોડિયા વચ્ચે હવે અનેક રહેણાંક સંકુલો બની ગયા છે. લગભગ હવે રેસિડેન્સિયલ વિસ્તાર પણ કહેવાય છે.
રાત અને દિવસ સતત ટ્રાફિકના કારણે રોડ પર કેટલીક વખત જામની સ્થિતિ પણ સર્જાતી હોય છે, આ ઉપરાંત પૂરપાટઝડપે દોડતા વાહનોના કારણે અકસ્માતની ઘટનાઓ પણ બની રહી છે જેના પગલે લાંબા સમયથી આ રોડ સિક્સ લેન કરવાની માગણી થતી હતી અને આખરે માર્ગ અને મકાન વિભાગને સિક્સ લેન રોડ કરવાની મંજૂરી મળતા હવે તેમાં આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આમોદર બાદ ફોર લેન રોડને સિક્સ લેન રોડ કરવાની કુલ લંબાઇ 10 કિ.મી. છે. આ રોડના નિર્માણ માટે રૂ.245 કરોડના વહીવટી ખર્ચની મંજૂરી મળી ગઇ છે. સિક્સ લેન રોડ પર બે સ્થળે વ્હિકલ અંડર પાસ બનવાથી 10 કિ.મી.નું અંતર માત્ર 10 મિનિટમાં જ પૂર્ણ થઇ જાય તેવી ગણતરી રાખવામાં આવી છે. હાલમાં જમીન સંપાદન તેમજ યુટિલિટિ શિફ્ટિંગનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત રોડ એલાઇમેન્ટ પણ કરવામાં આવી રહેલ છે. ચોમાસામાં કેટલાંક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યાના કારણે 10 કિ.મી.ના રોડ પર ડામર અને કોન્ક્રિંટ પાથરવામાં આવશે.

સિક્સ લેન રોડ પર બે બ્રિજ બનાવાશે

વડોદરાથી વાઘોડિયા જતા ફોર લેન રોડ પર સતત વાહનોની અવરજવરના કારણે રોડ સિક્સ લેન બનશે. આ સાથે પારૂલ યુનિવર્સિટી પાસે વાઘોડિયા જીઆઇડીસી નજીક વ્હિકલ અંડર પાસ એટલે કે બ્રિજ બનાવવાનું પણ આયોજન છે. આ રોડ પર બે બ્રિજ બનવાથી વાહનોની સ્લીમલેસ મુવમેન્ટ થશે. આ નવા સિક્સ લેન રોડ પર માત્ર 10 મિનિટમાં વાઘોડિયા પહોંચી જવાશે.

પાંચ ગામોની જમીન સંપાદન સૌથી મોટો પડકાર

સિક્સ લેન રોડ માટે સૌથી મોટો પડકાર હાલ જમીન સંપાદનનો છે. કુલ પાંચ ગામોની આશરે 25 હેકટર જમીન સંપાદન કરવામાં આવશે. જે ગામોની જમીન સંપાદન થવાની છે તે ગામો વાઘોડિયા, લીમડા, દત્તપુરા, કમલાપુરા અને પીપળીયાનો સમાવેશ થાય છે. જમીન સંપાદન અધિનિયમ 2013ની કલમ 10(ક) હેઠળનું પ્રાથમિક જાહેરનામુ ઓક્ટોબર માસમાં મંજૂર થઇ ગયું છે.

વુડા દ્વારા 2.60 કિ.મી.નો રોડ મોડેલ રોડ બનશે

વુડા દ્વારા વડોદરાથી વાઘોડિયા વચ્ચેના પોતાના વિસ્તારમાંથી પસાર થતા રિંગ રોડ પર 2.60 કિ.મી.ની લંબાઇનો રોડ મોડેલ રોડ તરીકે ડેવલોપ કરવાનો પ્લાન છે. અઢી કિલોમીટરથી વધુ લંબાઇનો આ રોડ આરસીસી બનશે જેમાં વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થાય તેવું આયોજન હશે તેમજ સેન્ટ્રલ લાઇનમાં ગાર્ડન ઉપરાંત વોક વે અને પાર્કિગ એરિયાનો સમાવેશ થાય છે.