Baroda

ભક્તિમાં ટેક્નોલોજીનો ફેરફાર : કેસેટ, વીસીડી, પેન ડ્રાઈવ હવે મોબાઈલ કનેક્ટ કરીને ગુંજે છે આરતી

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં શ્રાવણ માસના પર્વોનો ઉત્સાહ વધ્યો છે, જ્યાં દશામાની સ્થાપના થઈ છે. હવે જન્માષ્ટમી અને ગણેશોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. આ તહેવારોમાં ભક્તિ અને ટેક્નોલોજીનો અનોખો સંગમ જોવા મળે છે. પહેલાં સામૂહિક આરતી ગાવામાં આવતી, પછી કેસેટ, VCD, પેન ડ્રાઈવ અને હવે મોબાઈલ દ્વારા આરતી વગાડાય છે. જોકે, મોબાઈલ પર આવતા કોલ કે નોટિફિકેશનથી ભક્તિમાં ખલેલ પડે છે. તેમ છતાં, ભક્તોની શ્રદ્ધા અકબંધ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભક્તિમાં ટેક્નોલોજીનો ફેરફાર : કેસેટ, વીસીડી, પેન ડ્રાઈવ હવે મોબાઈલ કનેક્ટ કરીને ગુંજે છે આરતી

Vadodara News : શ્રાવણમાં ધાર્મિક પર્વોનો ઉત્સાહભેર ઉજવણી શરૂ થઈ છે હાલ દશામાની પ્રતિમાઓનું સ્થાપન થઈ ચૂક્યું છે અને આગામી દિવસોમાં જન્માષ્ટમી તથા ગણેશોત્સવની ઉજવણી પણ થશે. તહેવારોની આ મોસમમાં એક તરફ વર્ષો જૂની ભક્તિ અને પરંપરા જળવાઈ રહી છે, તો બીજી તરફ તેમાં આધુનિક ટેક્નોલોજીનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.
ભગવાનની પ્રતિમાનું સ્થાપન થાય એટલે સવાર-સાંજ આરતી અને પૂજા કરવામાં આવે છે. વર્ષો પહેલાં કોઈ સાઉન્ડ સિસ્ટમ કે ટેક્નોલોજી ઉપલબ્ધ ન હતી ત્યારે ભક્તો સામૂહિક રીતે આરતી ગાઈને ભગવાનની આરાધના કરતા. ભક્તિનો માહોલ પણ એવો જ જીવંત રહેતો, જ્યાં એકના સૂર સાથે અનેક ભક્તોના સ્વર જોડાઈ જતા.
પરંતુ સમય બદલાયો અને ભક્તિની રીતમાં પણ ટેક્નોલોજીનો પ્રવેશ થયો. એક સમયે ઓડિયો કેસેટ દ્વારા આરતી વગાડવામાં આવતી હતી. આરતીના અલગ-અલગ સમય માટે કેસેટમાં ટ્રેક શોધવા અને યોગ્ય સમયે આરતી શરૂ કરવાની વ્યવસ્થા કરવી પડતી હતી.
ટેક્નોલોજી આગળ વધી અને ઓડિયો કેસેટનું સ્થાન વીસીડી અને પેન ડ્રાઈવે લીધું. હવે કેસેટ રિવાઇન્ડ કે ફોરવર્ડ કરવાની ઝંઝટમાંથી ભક્તોને મુક્તિ મળી. આરતી, ભજન અને ધાર્મિક ગીતો પેન ડ્રાઈવમાં રાખીને સરળતાથી વગાડવામાં આવવા લાગ્યા. હવે તો ટેક્નોલોજી વધુ આગળ વધી છે. પેન ડ્રાઈવનો પણ ઉપયોગ ઘટ્યો છે અને સીધો મોબાઈલ સાઉન્ડ સિસ્ટમ સાથે કનેક્ટ કરીને આરતી વગાડવામાં આવે છે. મોબાઈલમાં રહેલી આરતી અને ભજનોના માધ્યમથી ગણતરીની સેકન્ડોમાં ધાર્મિક માહોલ સર્જાઈ જાય છે.
જોકે ટેક્નોલોજીની આ સરળતા સાથે કેટલીક સમસ્યાઓ પણ ઊભી થાય છે. આરતી દરમિયાન અચાનક મોબાઈલમાં રિંગ વાગી જાય, કોઈ નોટિફિકેશન આવી જાય અથવા ઓડિયો-વિડિયોમાં જાહેરાત શરૂ થઈ જાય તો ભક્તિમાં ખલેલ પહોંચે છે. ક્યારેક મોબાઈલ પર આવતા કોલના કારણે આરતીનું સંગીત પણ અટકી જાય છે. તેમ છતાં આ તમામ નાના-મોટા વિક્ષેપ વચ્ચે ભક્તિની ભાવના અકબંધ છે. માધ્યમ બદલાયું છે, પરંતુ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા બદલાઈ નથી.
કેસેટથી વીસીડી, વીસીડીથી પેન ડ્રાઈવ અને હવે મોબાઈલ સુધી આરતીના માધ્યમમાં અનેક બદલાવ આવ્યા છે. ટેક્નોલોજીએ આરતી વગાડવાની રીત બદલી છે, ભક્તિ કરવાની ભાવના નહીં.
દશામાના પર્વથી શરૂ થયેલી તહેવારોની મોસમમાં હવે જન્માષ્ટમી અને ગણેશોત્સવના રંગો પણ જોવા મળશે. આધુનિક યુગમાં મોબાઈલ અને સાઉન્ડ સિસ્ટમ ભલે ભક્તિના સાધન બની ગયા હોય, પરંતુ આરતીના સ્વરોમાં આજે પણ એ જ શ્રદ્ધા અને આસ્થા સંભળાય છે.