Baroda

નંદેસરી જીઆઈડીસી નજીકના ગામડાના ભૂગર્ભ જળમાં ટીડીએસ, નાઈટ્રેટ, ક્લોરાઈડનું પ્રમાણ નિયત માત્રા કરતાં ચાર ગણું વધારે

By GS Team
28 Jun 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીના રિસર્ચમાં નંદેસરી GIDC નજીકના રાયંકા અને રણોલી ગામોનું ભૂગર્ભ જળ અત્યંત પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થિની અર્ચના ભટ્ટે 20 પાણીના નમૂના તપાસતા TDS, હાર્ડનેસ, નાઈટ્રેટ અને ક્લોરાઈડ નિયત માત્રાથી 4 થી 10 ગણા વધુ મળ્યા. હેવી મેટલ્સ પણ મળ્યા છે. સ્થાનિકો આ પાણી પીવામાં વાપરે છે, જે કેન્સર, પથરી અને ચામડીના રોગોનું જોખમ વધારે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નંદેસરી જીઆઈડીસી નજીકના ગામડાના  ભૂગર્ભ જળમાં ટીડીએસ, નાઈટ્રેટ, ક્લોરાઈડનું  પ્રમાણ નિયત માત્રા કરતાં ચાર ગણું વધારે

વડોદરાના જે વિસ્તારોમાં ભૂગર્ભ જળ વધારે પ્રદૂષિત થયેલું છે તેમાં નંદેસરી જીઆઈડીસીની આસપાસના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.એમ.એસ.યુનિવર્સિટીના એન્વાયર્મેન્ટ સાયન્સ ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થિનીએ જીઆઈડીસીથી ચાર કિલોમીટરના અંતરે આવેલા બે ગામડાઓના ભૂગર્ભ જળના લીધેલા નમૂનાની ચકાસણીમાં આ બાબતને સમર્થન મળી રહ્યું છે.
એન્વાયર્મેન્ટ સાયન્સ વિભાગની વિદ્યાર્થિની અર્ચના ભટ્ટે અધ્યાપક ડો.અંકિતા ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ હાથ ધરેલા રિસર્ચ પ્રોજેકટના ભાગરુપે જીઆઈડીસી નજીકના બે ગામ રાયંકા અને રણોલીમાં ખેતરો અને ગામના બોરવેલમાંથી પાણીના ૨૦ જેટલા નમૂના લીધા હતા.
જેના એનાલિસિસમાં સામે આવેલી જાણકારી પ્રમાણે આ ભૂગર્ભ જળમાં ટીડીએસનું પ્રમાણ નિયત મર્યાદા કરતા ચાર ગણું વધારે છે.પાણીની હાર્ડનેસ નિયત મર્યાદા કરતા ૧૦ ગમી વધારે છે.જ્યારે પાણીમાં નાઈટ્રેટનું પ્રમાણ જે હોવુ જોઈએ તેના કરતા લગભગ ચાર ગણું અને કલોરાઈડનું પ્રમાણ પણ ચાર ગણું વધારે છે.પાણીમાં હેવી મેટલ્સ પણ મળ્યા છે.જેની માત્રા પણ વધારે છે. વિદ્યાર્થિની અર્ચના ભટ્ટ અને અધ્યાપક ડો.અંકિતા ઉપાધ્યાયનું કહેવું છે કે, ગામના લોકો આ પાણીનો ઘર વપરાશની સાથે સાથે પીવામાં પણ ઉપયોગ કરી રહ્યા છે તે એક ચિંતાજનક બાબત છે અને તંત્રે તેની નોંધ લેવાની જરુર છે.

પાણીમાં કયા ઘટકનું કેટલું પ્રમાણ
ઘટક નિયત માત્રા કેટલું પ્રમાણ
ટીડીએસ ૫૦૦ ૨૦૦૦
હાર્ડનેસ ૮૦ થી ૧૦૦ ૯૮૦
ક્લોરાઈડ ૨૫૦ ૮૬૫
આલ્કલિનિટી ૧૦૦ થી ૧૦૫ ૬૦૦
નાઈટ્રેટ ૪૫ ૧૪૫
ક્રોમિયમ ૦.૦૫ ૦.૧
કેડમિયમ ૦.૦૦૩ ૦.૧
કોબાલ્ટ ૦.૦૧ ૦.૧
(મિલિગ્રામ પર લિટર)

કેન્સર, ત્વચાના રોગો, પથરી જેવી બીમારીઓનું જોખમ
સંશોધકોનું કહેવું છે કે, નાઈટ્રેટ સામાન્ય રીતે ફર્ટિલાઈઝરમાં વપરાય છે અને શક્ય છે કે, વરસાદના કારણે ખાતરમાં રહેલું નાઈટ્રેટ પાણીમાં ભળ્યું હોય.પાણીમાં તેનું પ્રમાણ વધારે હોય અને તે પીવા માટે ઉપયોગમાં લેવાતું હોય તો કેન્સર થઈ શકે છે.પાણીમાં વધારે ટીડીએસના કારણે પથરી, પાચન તંત્રની સમસ્યા કે પછી કિડની પર સોજો પણ આવી શકે છે.પાણીમાં વધારે પડતી હાર્ડનેસથી ત્વચાના રોગો થવાની શક્યતા રહેલી છે.