વડોદરામાં ટેન્કર રાજ : ટેન્કરથી પાણી પહોંચાડવાનો ખર્ચ રૂ.4 કરોડે પહોંચ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : સ્માર્ટ સિટી વડોદરામાં 24 કલાક પાણી વિતરણની વાતો વચ્ચે અનેક વિસ્તારોમાં પાણીની અછત સર્જાય ત્યારે ટેન્કરથી પાણી પહોંચાડવાનીવ્યવસ્થા યથાવત્ છે. હવે પાણી પુરવઠા શાખાના ટેન્કર ઇજારાની નાણાકીય મર્યાદા રૂ.3.50 કરોડથી વધારીને રૂ.4 કરોડ કરવાની દરખાસ્ત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. પાણીની લાઇનમાં ભંગાણ, ઓછા દબાણે પાણી મળવું, વાલ્વ બગડવા અને પાણીમાં દૂષિતતા જેવી સમસ્યાઓના કારણે પાણી વિતરણ ખોરવાય ત્યારે ટેન્કરનો સહારો લેવો પડે છે. ત્યારે પાણીની કાયમી સમસ્યાના ઉકેલને બદલે ટેન્કર વ્યવસ્થાનો ખર્ચ વધારવાની સ્થિતિ ઊભી થઈ છે.
પાણી પુરવઠા શાખા દ્વારા પાણીની અછતના સમયે વિવિધ વિસ્તારોમાં પાણી પહોંચાડવા ખાનગી ટેન્કર ભાડે મેળવવા વાર્ષિક ઇજારો આપવામાં આવ્યો છે. આ ઇજારામાં અગાઉ રૂ.350 લાખની નાણાકીય મર્યાદા મંજૂર કરવામાં આવી હતી. જોકે, વધતી જરૂરિયાતને કારણે આ મર્યાદા પૂરી થઈ જતાં વધુ રૂ.50 લાખની મર્યાદા વધારવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. જો મંજૂરી મળશે તો વાર્ષિક ઇજારાની કુલ નાણાકીય મર્યાદા રૂ.4 કરોડ થશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણીની લાઇનમાં કોન્ટામિનેશન, ઓછા દબાણે પાણી મળવું, લાઇનમાં ભંગાણ અથવા વાલ્વ બગડવા સહિતનાં કારણોસર જે તે વિસ્તારમાં પાણી વિતરણ બંધ થાય અથવા પૂરતા પ્રમાણમાં પાણી ન મળે ત્યારે ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. કોર્પોરેશન પાસે ઉપલબ્ધ ટેન્કરો પૂરતા ન હોવાથી વધારાની જરૂરિયાત પૂરી કરવા ખાનગી વાહનો ભાડે મેળવવામાં આવતા હોવાનું કારણ આગળ ધરાયું છે.
વાર્ષિક ઇજારા હેઠળ છોટું મધુકર પાટીલના પ્રતિ ફેરા રૂ.310ના ભાવને વર્ષ 2026થી મંજૂરી આપવામાં આવી છે. આ દર 4,000 લિટરની ક્ષમતા ધરાવતા ટેન્કર માટે છે. 11 જાન્યુઆરી, 2026થી 30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં આ કામગીરી પાછળ રૂ.3,34,36,910નો ખર્ચ થયો હતો. પરિણામે માત્ર રૂ.15,63,090ની રકમ બાકી રહી હતી. ત્યારબાદ 10 ઓક્ટોબરે નાણાકીય મર્યાદા પૂર્ણ થઈ જતાં વધુ રૂ.50 લાખની મર્યાદા વધારવાની જરૂરિયાત ઊભી થઈ છે.
શહેરમાં 24 કલાક પાણી વિતરણની વ્યવસ્થા ઊભી કરવાની વાતો કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ પાણીની અછત સર્જાય ત્યારે ટેન્કરથી પાણી પહોંચાડવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.




