અપક્ષ ઉમેદવારને સમર્થન મામલે વડોદરાના મહિલા કાઉન્સિલરને પ્રદેશ કોંગ્રેસની નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Congress : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર-1ના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા સામે સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન પક્ષવિરોધી પ્રવૃત્તિ કર્યાના આક્ષેપોને પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ફરી ખુલાસો માંગવામાં આવતા કોંગ્રેસનું આંતરિક રાજકારણ ગરમાયું છે.
આક્ષેપ મુજબ, વર્ષ 2026ની મ્યુનિસિપલ ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર-1માં કોંગ્રેસની ચાર સભ્યોની પેનલ સામે અપક્ષ ઉમેદવાર હરીશ પટેલને પુષ્પાબેન વાઘેલાએ જાહેરમાં સમર્થન આપ્યું હતું.
પ્રદેશ કોંગ્રેસ સમક્ષ થયેલી રજૂઆતમાં એવો આક્ષેપ કરાયો છે કે અપક્ષ ઉમેદવારને મળેલા સમર્થનના કારણે કોંગ્રેસની પેનલના મતોમાં ઘટાડો થયો હતો અને કોંગ્રેસના ત્રણ ઉમેદવારો ઓછા મતના તફાવતથી ચૂંટણી હારી ગયા હતા.
પુષ્પાબેન વાઘેલા સામે અગાઉ પણ પક્ષવિરોધી વર્તણૂકના આક્ષેપોને પગલે કાર્યવાહી થઈ હોવાનું જણાવાય છે. તે સમયે તેમણે લેખિતમાં માફી માગી હતી અને ભવિષ્યમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ નહીં કરવાની ખાતરી આપ્યા બાદ સસ્પેન્શન રદ કરવામાં આવ્યું હતું. હવે ફરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારને સહાય કર્યાની રજૂઆત થતાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ જણાવ્યું હતું કે, “આ વિષયની મને ખબર નથી. વોર્ડ નંબર-1માં અમારા પરિવારનો વિષય છે. સાથે બેસીને આ મામલે ઉકેલ લાવીશું.”




