મોડીરાત્રે કિશનવાડી વિસ્તારમાં ૧ લાખની ઉઘરાણીની તકરારમાં પિતાની નજર સામે જ પુત્રની હત્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૧ લાખની ઉઘરાણીના મુદ્દે ગત મોડીરાત્રે કિશનવાડી વિસ્તારમાં થયેલા ઝઘડામાં ૯ આરોપીઓએ ભેગા મળીને પિતા પુત્રો પર હુમલો કર્યો હતો. ૧૯ વર્ષના યુવક પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દઇ કરપીણ હત્યા કરવામાં આવી હતી.જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ગાંગી ગામના મૂળ વતની વિક્રમભાઇ ગોરધનભાઇ વણઝારા ( ઉં.વ.૪૨) હાલમાં કિશનવાડી વુડાના મકાનની સામે ભાનુપ્રતાપ સોસાયટીમાં રહે છે અને સ્ક્રેપનો વેપાર કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોેંધાવી જણાવ્યું છે કે, ન્યુ વી.આઇ.પી.રોડ મુખીનગર પાસે લક્ષ્મીનગરમાં રહેતા મેઘરાજ ઉર્ફે રમેશ વણઝારા સાથે વેપારમાં ૧ લાખની ખોટ ગઇ હતી.જે રૃપિયા માટે ગઇકાલે રાત્રે અમારે મિટિંગ થતા મેઘરાજે રૃપિયા આપવાની ના પાડી દેતા અમારી વચ્ચે ઝઘડો થયો હતો. આરોપીઓએ મારા પર હુમલો કર્યો હતો. વિષ્ણુ, વિક્રમ, કાળુ તથા મેઘરાજે મને પકડીને મારવા લાગ્યા હતા.તે દરમિયાન મારો દીકરો સુમિત, શૈલેષ તથા બ્રિજેશ મને છોડાવવા વચ્ચે પડયા હતા. આરોપીઓ પૈકી ધર્મેશ, વિનોદ, અજય અને પંકજ મારા દીકરાઓને ઢસડીને નજીકમાં આવેલા મોબાઇલ કંપનીના ટાવર પાસે લઇ ગયા હતા. શૈલેષને પીઠના ભાગે ચાકૂના ઘા માર્યા હતા. મારા નાના દીકરા સુમિતને વિનોદ, અજય, પંકજ તથા ધર્મેન્દ્રએ માર માર્યો હતો. અજયે ચાકૂ વડે સુમિતને મોંઢા પર, ધર્મેશે પીઠ પર ચાકૂના ઘા મારી દેતા તે ઢળી પડયો હતો. ત્યારબાદ હુમલાખોરો ભાગી ગયા હતા. મારી દીકરા સુમિતને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો.બાપોદ પી.આઇ.ડી.ડી.લાડુમોરે વધુ તપાસ હાથ ધરી છે.









