કેટલાંક નેતાઓ, બિલ્ડરો, ઉદ્યોગપતિઓને રિવોલ્વરનો શોખ વડોદરા જિલ્લામાં એક જ વર્ષમાં ૫૪ લોકોનું હથિયાર લાયસન્સ નામંજૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં ફાયરિંગની ત્રણ ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રમાં ખળભળાટ મચાવ્યો છે. બહારથી આવેલા લોકો ફાયરિંગ કરીને જતા રહે છે તેવી પણ એક ઘટના બની છે. બીજી તરફ જિલ્લામાં પણ હથિયાર પરવાના અંગે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. સરકારી તંત્ર દ્વારા એક વર્ષમાં ૫૪ જેટલી અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. ટૂંકમાં હથિયાર લઇને ફરવાનો અથવા સાથે રાખવાનો ઘણાંનો શોખ પૂરો થઇ શક્યો નથી.
ઉલ્લેખનીય છે કે વડોદરામાં રાજકીય નેતાઓ અથવા બિલ્ડરો તેમજ ઉદ્યોગપતિઓ દ્વારા હથિયાર પરવાનો રાખવાનો ટ્રેન્ડ છે. તંત્ર પાસે પરવાનો મેળવી હથિયાર ખરીદી સાથે રાખવાનો જાણે એક શોખ બની ગયો હોય તેમ કેટલાક પરવાનેદારો તો હંમેશા હથિયાર પોતાની સાથે રાખે છે. કેટલાંક લોકો તો ખુલ્લેઆમ રિવોલ્વર લટકાવીને ફરતા હોય છે. સ્વરક્ષણ માટે લીધેલા આ હથિયારના લાયસન્સને નિર્ધારિત સમય બાદ રિન્યૂ પણ કરાવવા પડે છે. આ ઉપરાંત કેટલાંક ખેડૂતો પાક રક્ષણ માટે પણ હથિયારોનો પરવાનો મેળવતા હોય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા જિલ્લામાં આશરે ૨૩૪ હથિયાર પરવાના તંત્ર દ્વારા અપાયા છે. જો કે હવે હથિયાર પરવાના માટે તંત્ર દ્વારા કડક નીતિ અપનાવવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટરે હથિયાર પરવાના માટે કડક વલણ અપનાવતા હવે હથિયાર પરવાનેદારોની સંખ્યા પણ ઘટી રહી છે. અગાઉ સ્વ રક્ષણ માટે હથિયાર લીધા હતા અને મુદત પૂરી થઇ ગઇ હોય તો રિન્યૂ માટે અરજી કરી હોય તેવા કિસ્સામાં ૪૨ અરજીઓ નામંજૂર કરી દેવામાં આવી છે. ટૂંકમાં એ ૪૨ વ્યક્તિઓ હવે હથિયારો રાખી નહી શકે.
સ્વ રક્ષણ માટેના સૌથી વધારે પરવાના સાવલી તાલુકામાં નામંજૂર કરાયા છે. આ ઉપરાંત પાક રક્ષણ માટે આપેલા હથિયારી લાયસન્સની પણ એક અરજી નામંજૂર કરી દેવાઇ છે. આ લાયસન્સ ડભોઇ તાલુકાનું હોવાનું જાણવા મળ્યું છે. મહત્વની બાબત એ છે કે અનેક લોકો એવા છે જેમને હથિયારનું લાયસન્સ મેળવી હથિયાર સાથે લઇ ફરવા માટે અરજી કરી હતી પરંતુ છેલ્લા એક વર્ષમાં નવી આવેલી ૯ અરજીઓ નામંજૂર કરી દેવામાં આવી છે. જિલ્લામાં નવી અરજીઓ નામંજૂર કરવાનું વલણ અપનાવવામાં આવી રહ્યું છે.
જિલ્લામાં એક જ માસમાં ત્રણ ફાયરિંગના બનાવો નોંધાયા
ત્રણ મહિના પહેલા પોઇચામાં ભાજપના નેતાએ પણ ફાયરિંગ કર્યુ હતું
વડોદરા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં ફાયરિંગની ત્રણ ઘટનાઓ બનતા તંત્ર પણ ચોંકી ગયંુ છે. શિનોર તાલુકાના સાધલી ગામે પોલીસની ગાડીમાં બાળકીની હત્યા કરનાર આરોપીને લઇને પોલીસ જતી હતી ત્યારે પોલીસની ગાડીમાં જ પીએસઆઇની રિવોલ્વર આંચકી આરોપીએ બે રાઉન્ડ ફાયર કર્યા હતાં.
આ ઘટના બાદ તા.૨૬ જૂનના રોજ રાત્રે વાઘોડિયા ચોકડી પાસે કારમાં જતા કાપડના વેપારી પર બે બાઇક સવારો પૈકી પાછળ બેઠેલ એક શખ્સે ફાયરિંગ કર્યા બાદ બંને ફરાર થઇ ગયા હતા જેઓ છત્તીસગઢથી ઝડપાયા છે. આ ઉપરાંત તા.૩ જુલાઇના રોજ ગોત્રી-ભાયલીરોડ પર પ્રિયા સિનેમા પાસે આરના ફ્લેટ પર કેટલાંક નશાખોરોએ ફાયરિંગ કર્યુ હતું. એટલું જ નહી પરંતુ ત્રણ મહિના પહેલા પણ સાવલી તાલુકાના પોઇચા ગામ પાસે ભાજપના એક નેતાએ લોકોને ગભરાવવા માટે રિવોલ્વર બતાવી હવામાં ફાયરિંગ કર્યુ હતું.
૬૫ વર્ષથી વધુ વય હોય તો સ્વરક્ષણ માટે હથિયાર પરવાનાને લાયક નથી
હથિયાર પરવાના માટે સ્વ રક્ષણ તેમજ પાક રક્ષણ કેટેગરી નક્કી કરવામાં આવી છે. સ્વ રક્ષણ માટે કોઇપણ વ્યક્તિને હથિયાર પરવાનો રાખવો હોય તો તેની વય ૬૫ વર્ષની હોવી આવશ્યક છે. વડોદરા જિલ્લામાં હથિયાર પરવાના રિન્યૂ કરવા માટે આવેલી અરજીઓમાં મોટા ભાગની અરજીઓના અરજદારોની વય ૬૫ વર્ષ વટાવી ગઇ હોવાથી હથિયાર રાખવાનું લાયસન્સ નામંજૂર કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.









