રણજી ટીમના નવા કોચની પસંદગી પ્રક્રિયા શરુ કરાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા ક્રિકેટ એસોસિએશન (બીસીએ) દ્વારા આગામી રણજી ટ્રોફી સિઝન માટે મુખ્ય કોચની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૃ કરાઈ છે.
આ માટે અગાઉ ઓનલાઈન જાહેરાત પ્રસિદ્ધ કરીને ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ હતી. અરજીઓની ચકાસણી બાદ પસંદગી પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવી છે અને ચાર ઉમેદવારોના નામ શોર્ટલિસ્ટ કરાયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોમાં નીરજ ઓડેદરા, નંદન ફડણીશ, મુરલી અને પ્રસન્નાનો સમાવેશ થાય છે. બીસીએના મુખ્ય કોચ પદ માટે બે ડઝનથી વધુ પૂર્વ ક્રિકેટરોએ અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લી બે રણજી ટ્રોફી સિઝન દરમિયાન પૂર્વ રણજી ક્રિકેટર મુકુંદ પરમાર બરોડા ટીમના મુખ્ય કોચ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમનો કાર્યકાળ પૂર્ણ થતાં નવા કોચની પસંદગી માટે બીસીએ દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ છે.
બીસીએની નિમણૂક સમિતિ ઉમેદવારોના ક્રિકેટિંગ અનુભવ, કોચિંગ ક્ષેત્રમાં કરેલા કાર્ય, સિદ્ધિઓ અને ટીમને આગળ વધારવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરી રહી છે. આગામી દિવસોમાં ઇન્ટરવ્યૂ સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવા મુખ્ય કોચના નામની સત્તાવાર જાહેરાત કરાશે.









