એરડા કંપનીમાં દિવાળી ગિફ્ટ કુપન અને બોનસ મુદ્દે સિક્યુરિટી કર્મચારીઓમાં નારાજગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરામાં મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલી એરડા કંપનીમાં દિવાળી ગિફ્ટ કુપન અને બોનસની રકમને લઈને બ્લેક કેટ સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓમાં નારાજગી જોવા મળી છે. વર્ષોથી કંપનીમાં સેવા આપતા સિક્યુરિટી કર્મચારીઓએ કંપનીના કર્મચારીઓની સરખામણીએ તેમને ઓછા મૂલ્યની ગિફ્ટ કુપન આપવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે. આ મુદ્દે આજે 21 સિક્યુરિટી કર્મચારીઓ કંપનીના ગેટ પર એકત્ર થયા હતા.
કર્મચારીઓના જણાવ્યા અનુસાર, દર વર્ષે દિવાળી દરમિયાન કંપનીના કર્મચારીઓને રૂ.1110ની ગિફ્ટ કુપન આપવામાં આવે છે, જ્યારે સિક્યુરિટી કર્મચારીઓને માત્ર રૂ.275ની કુપન આપવામાં આવે છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે આશરે 150 કરોડની આવક ધરાવતી કંપનીમાં તેઓ છેલ્લા 20 વર્ષથી સેવા આપી રહ્યા છે, તેમ છતાં દિવાળી ગિફ્ટ કુપનની રકમમાં કોઈ વધારો કરવામાં આવતો નથી. તેમને રૂ.10 હજાર બોનસ અને માત્ર 22 દિવસનું વેતન ચૂકવવામાં આવે છે. એટલું જ નહીં, અન્ય કર્મચારીઓની સરખામણીએ સૌથી છેલ્લે બોનસ ચૂકવવામાં આવતું હોવાની પણ તેમની ફરિયાદ છે.
કર્મચારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આ મુદ્દે લેખિત રજૂઆત કરવા કંપની તરફથી જણાવવામાં આવ્યું હતું. જેથી તેઓ લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ હવે કંપની દ્વારા આ રજૂઆત કોન્ટ્રાક્ટરને આપવા જણાવવામાં આવતાં કર્મચારીઓમાં વધુ નારાજગી ફેલાઈ છે. દિવાળી જેવા તહેવારમાં વર્ષોથી સેવા આપતા કર્મચારીઓ સાથે ભેદભાવ થતો હોવાની લાગણી વ્યક્ત કરીને તેમણે ગિફ્ટ કુપન અને બોનસમાં વધારો કરવાની માગ કરી છે.




