જાહેર માર્ગો પર ભંગાર વાહનોના ખડકલા યથાવત : દબાણ હટાવવા નીકળેલી ટીમ સામે વેપારીઓનો રોષ, ‘ચોક્કસ વિસ્તારોને જ ટાર્ગેટ’ કરવાનો આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરમાં જાહેર માર્ગો પરના ગેરકાયદે દબાણો દૂર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ આ કાર્યવાહી સામે હવે વેપારીઓનો રોષ પણ સામે આવી રહ્યો છે. આજે ન્યાયમંદિર, ખંડેરાવ માર્કેટ સહિતના વિસ્તારોમાં દબાણ શાખાની ટીમે રસ્તા પર નડતરરૂપ દબાણો દૂર કરી ત્રણ ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો હતો. જોકે, જયરત્ન ચાર રસ્તા પાસે કાર્યવાહી દરમિયાન વેપારીઓ અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે રકઝક થતાં કામગીરી સામે વિરોધ પણ જોવા મળ્યો હતો.
વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે શરાબી હોલ, ચોખંડી, નવાયાર્ડ, તાઈવાડા અને મોગલવાડા સહિતના વિસ્તારોમાં પણ જાહેર માર્ગો પર દબાણો હોવા છતાં ત્યાં અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર ચોક્કસ વિસ્તારોને જ નિશાન બનાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરીને વેપારીઓએ દબાણ હટાવવાની કામગીરીમાં સમાન અભિગમ અપનાવવાની માગ કરી હતી.
એક તરફ દબાણ શાખા દ્વારા રસ્તા પરના નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ જાહેર માર્ગો પર લાંબા સમયથી પડેલાં ભંગાર વાહનોની સમસ્યા યથાવત છે. ખાસવાડી સ્મશાન, નાગરવાડા, સલાટવાડા, ગોરવા, તાંદળજા અને અજબડી મિલ સહિતના વિસ્તારોમાં રસ્તા પર ભંગાર વાહનો પડ્યાં રહેતાં અવરજવરમાં અડચણ ઊભી થાય છે.
જાહેર માર્ગો પર બિનઉપયોગી અને ભંગાર હાલતમાં પડેલાં વાહનોને કારણે રસ્તાની જગ્યા રોકાય છે અને વાહનચાલકો તથા રાહદારીઓને મુશ્કેલી પડે છે. આ વાહનોને દૂર કરવાની જવાબદારીમાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોવા છતાં આ મામલે કાર્યવાહી ધીમી પડી હોવાની ફરિયાદો છે.




