Baroda

વડોદરાના સાવલીમાં જ્ઞાનશક્તિ સ્કૂલની ઘોર બેદરકારી, એક દિવસ પહેલા પરીક્ષા લઈ લેતા ઊહાપોહ

By GS Team
28 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓની સત્રાંત પરીક્ષામાં મોટી બેદરકારી સામે આવી છે. સાવલી ખાતેની જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સે 29 ઓક્ટોબરના રોજ લેવાનારી ધોરણ 6 અને 7ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા આજે જ લઈ લીધી હતી. આ છબરડાના કારણે જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 અને 7ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા રદ કરવામાં આવી છે. હવે આ પરીક્ષા 2 નવેમ્બરે લેવાશે. શાળા સામે કડક કાર્યવાહી કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના સાવલીમાં જ્ઞાનશક્તિ સ્કૂલની ઘોર બેદરકારી, એક દિવસ પહેલા પરીક્ષા લઈ લેતા ઊહાપોહ

Vadodara News : વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં હાલમાં ચાલી રહેલી સત્રાંત પરીક્ષામાં સાવલી ખાતેના કેજેઆઈટી કેમ્પસ( કે જે ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી)માં ચાલતી જ્ઞાાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સની ઘોર બેદરકારી સામે આવી છે.

જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓનું પરીક્ષાનું ટાઈમ ટેબલ એક સમાન છે અને તે અનુસાર તમામ સ્કૂલોમાં તા.29 ઓકટોબરે ધો.6 અને ની સામાજિક વિજ્ઞાાનની પરીક્ષા લેવાનારી હતી.તેની જગ્યાએ જ્ઞાાન શક્તિ સ્કૂલના સંચાલકોએ આજે જ આ વિષયની પરીક્ષા લઈ લીધી હતી. આ ઘટના સામે આવ્યા બાદ ભારે ઉહાપોહ થયો હતો.

સ્કૂલ ઓફ એક્સેલન્સનો દરજ્જો ધરાવતી સ્કૂલના અંધેર વહીવટથી સર્જાયેલા છબરડાના કારણે જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ પણ ચોંકી ઉઠી હતી. સ્વાભાવિક છે કે, એક દિવસ વહેલી પરીક્ષા લેવાઈ ગઈ હોવાથી આ પેપર તો જાહેર થઈ ગયેલું ગણાય.એટલે જિલ્લાની તમામ પ્રાથમિક સ્કૂલોમાં ધો.6 અને 7માં સામાજિક વિજ્ઞાાનના પેપરની પરીક્ષા રદ કરાઈ છે.તેની જગ્યાએ હવે તા.2 નવેમ્બરે આ વિષયની પરીક્ષા લેવામાં આવશે.જ્યારે ધો.8માં સામાજિક વિજ્ઞાાનના પેપરની પરીક્ષા તા.28 ઓકટોબરે રાબેતા મુજબ લેવામાં આવશે.

સ્કૂલના વિદ્યાર્થીઓની અંગ્રેજીની પરીક્ષા પર સવાલો
કોમન ટાઈમ ટેબલ પ્રમાણે તો જિલ્લાની પ્રાથમિક સ્કૂલોમાં આજે ધો.6 અને સાતમાં અંગ્રેજી વિષયની પરીક્ષા લેવાની હતી અને તેની જગ્યાએ જ્ઞાાન શક્તિ સ્કૂલમાં સામાજિક વિજ્ઞાાનના પેપરની પરીક્ષા લેવામાં આવી હતી.આમ હવે આ સ્કૂલના વિદ્યાર્થીઓની અંગ્રેજી વિષયની પરીક્ષા લેવા પર પણ સવાલો ઉભા થયા છે.આ સ્કૂલ માટે પણ અંગ્રેજીનું નવું પેપર સેટ કરીને પરીક્ષા લેવી પડશે.

સ્કૂલ સામે આકરી કાર્યવાહી કરાશેઃ ડીપીઓ
ઈન્ચાર્જ ડીઈઓ તથા ડીપીઓ મહેશ પાંડેએ કહ્યું હતું કે, સ્કૂલની બેદરકારી છે તે સાબિત થાય છે અને તેના કારણે પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે.સ્કૂલ સામે આકરી કાર્યવાહી કરવા માટે શિક્ષણ વિભાગને ભલામણ કરવામાં આવશે.જોકે કયા પ્રકારની આકરી કાર્યવાહી કરાશે તેનો ફોડ મહેશ પાંડેએ પાડયો નહોતો.