Baroda

બાકી ટેક્સ મુદ્દે બીએચ સિરીઝના ૧૫૨ વાહનમાલિકોને આરટીઓની નોટિસ

By GS Team
2 Nov 20262 mins read
TukuTouch Logo
દરજીપુરા RTO દ્વારા BH સિરીઝના વાહનમાલિકો સામે બાકી રોડ ટેક્સ વસૂલવા કાર્યવાહી શરૂ કરાઈ છે. અત્યાર સુધીમાં 152 વાહનમાલિકોને ₹16 લાખના બાકી રોડ ટેક્સ માટે નોટિસ ફટકારાઈ છે. BH સિરીઝમાં દર બે વર્ષે ટેક્સ ભરવાનો હોય છે, પરંતુ સમયસર ટેક્સ ન ભરનારાઓને RTOએ નોટિસ આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાકી ટેક્સ મુદ્દે બીએચ સિરીઝના ૧૫૨ વાહનમાલિકોને આરટીઓની નોટિસ

અત્રેના દરજીપુરા સ્થિત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) દ્વારા બીએચ સિરીઝ(ભારત શ્રેણી)ના નોંધણી નંબર ધરાવતા વાહનમાલિકો સામે બાકી રોડ ટેક્સની વસૂલાત માટે કાર્યવાહી શરૃ કરાઈ છે.

આરટીઓ દ્વારા અત્યાર સુધીમાં ૧૫૨ વાહનમાલિકોને નોટિસ ફટકારાઈ છે. આ વાહનમાલિકો પાસેથી રૃા.૧૬ લાખનો રોડ ટેક્સ વસૂલવાનો બાકી છે. બીએચ નંબર ધરાવતા વાહનો માટે સામાન્ય વાહનોની જેમ એકસાથે લાંબા ગાળાનો રોડ ટેક્સ ભરવાનો હોતો નથી, પરંતુ દર બે વર્ષે ટેક્સ ભરવાની વ્યવસ્થા છે.

આ વ્યવસ્થા હેઠળ નિયત સમયમર્યાદામાં ટેક્સ ભરવો જરૃરી છે. જોકે કેટલાક વાહનમાલિકો દ્વારા સમયસર ટેક્સ ભરવામાં નહીં આવતાં આરટીઓ દ્વારા નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.દરજીપુરા આરટીઓ દ્વારા મોકલવામાં આવેલી ૧૫૨ નોટિસમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર બંને પ્રકારનાં વાહનોનો સમાવેશ થાય છે. કુલ રૃા.૧૬ લાખની બાકી રકમ વસૂલવા માટે આરટીઓ તંત્ર દ્વારા વાહનમાલિકોને ટેક્સ ભરવા સૂચના અપાઈ છે.

અત્રે ઉલ્લેેખનીય છે કે બીએચ એટલે ભારત સિરીઝ. આ સિરીઝની નોંધણીનો મુખ્ય હેતુ નોકરીના કારણે વારંવાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં બદલી થતાં કર્મચારીઓને વાહનની પુનઃનોંધણીની મુશ્કેલીમાંથી મુક્તિ આપવાનો છે. સરકારી કર્મચારીઓ, સંરક્ષણ ક્ષેત્રના કર્મચારીઓ, ચાર કે તેથી વધુ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત ખાનગી કંપનીઓના કર્મચારીઓ પણ એ માટે પાત્રતા ધરાવે છે. આ માટે સામાન્ય નંબર પ્લેટના બદલે બીએચ સિરીઝની નંબર પ્લેટ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે જીજે૦૬ એબી૧૨૩૪ ના બદલે ૨૬ બીએચ ૧૨૩૪ એબી જેવા સ્વરૃપમાં નંબર હોય છે.