Baroda

ત્રણ ગણા વળતરની લાલચ આપી વેપારી પાસેથી રૂ.61.73 લાખ પડાવ્યા : કપૂરાઈ પોલીસે રાજસ્થાનના બે શખ્સો સામે ગુનો નોંધ્યો

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં ત્રણ ગણા વળતરની લાલચ આપી 29 વર્ષીય વેપારી નાથારામ ચૌધરી પાસેથી રૂ. 61.73 લાખની છેતરપિંડી થઈ છે. રાજસ્થાનના દિલીપ ચૌધરી અને લલિત પ્રજાપતિએ "ભવિષ્યની ડિજિટલ કરન્સી" માં રોકાણના બહાને નાથારામને ફસાવ્યા હતા. કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ત્રણ ગણા વળતરની લાલચ આપી વેપારી પાસેથી રૂ.61.73 લાખ પડાવ્યા : કપૂરાઈ પોલીસે રાજસ્થાનના બે શખ્સો સામે ગુનો નોંધ્યો

Vadodara Fraud Case : ત્રણ ગણા વળતરની લાલચ આપી સોમા તળાવ વિસ્તારમાં કરિયાણાની દુકાન ધરાવતા 29 વર્ષીય વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે. મૂળ રાજસ્થાનના અને હાલ વડોદરામાં રહેતા નાથારામ ઓગળરામ ચૌધરીએ કપૂરાઈ પોલીસ મથકમાં કરેલી ફરિયાદના આધારે પોલીસે રાજસ્થાનના દિલીપ આસારામ ચૌધરી અને લલિત ચમનારામ પ્રજાપતિ સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.
ફરિયાદ મુજબ, વર્ષ 2023માં દિલીપ ચૌધરીએ નાથારામને ફોન કરીને તેમની એક રોકાણ યોજનામાં નાણાં રોકવા જણાવ્યું હતું. જેટલી રકમનું રોકાણ કરવામાં આવે તેના ત્રણ ગણા રૂપિયા એક મહિનામાં પરત આપવાની લાલચ આપવામાં આવી હતી. શરૂઆતમાં રૂ.92,250 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા બાદ દિલીપે આ રકમની યોજના બંધ થઈ હોવાનું કહી અન્ય યોજના અંગે વાત કરી હતી.
ત્યારબાદ દિલીપ અને તેનો બોસ લલિત પ્રજાપતિ નાથારામને મળવા કપૂરાઈ ચોકડી ખાતે આવ્યા હતા. બંનેએ લક્ઝરી કારમાં બેસાડી રોકાણની યોજના સમજાવી હતી. લલિત પ્રજાપતિએ મે મહિનાથી ડિસેમ્બર સુધી રૂ.65 લાખનો લક્ષ્યાંક પૂર્ણ કરવાથી બે વર્ષના અંતે રૂ.2 કરોડ પરત મળશે તેવી લાલચ આપી હતી. આ લાલચમાં આવી નાથારામે 21 એપ્રિલથી 21 ડિસેમ્બર 2023 દરમિયાન દિલીપ અને લલિતના અલગ-અલગ ખાતામાં કુલ રૂ.65,43,145 ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં રોકાણ કરેલી રકમ અને વળતર પરત માંગતાં આરોપીઓએ વધુ 10 ટકા રકમ ચૂકવશો તો ત્રણ ગણા રૂપિયા પરત મળશે તેમ જણાવ્યું હતું.
રકમ પરત આપવા માટે વારંવાર વાયદા કરવામાં આવ્યા હોવા છતાં નાણાં પરત ન મળતાં નાથારામે પોલીસમાં અરજી કરી હતી. ફરિયાદ મુજબ, લલિત પ્રજાપતિએ રૂ.3.70 લાખ પરત આપ્યા હતા અને બાકીની રકમ ત્રણ મહિનામાં ચૂકવી દેવાની ખાતરી આપી હતી. જોકે, ત્યારબાદ બાકીની રકમ પરત આપી ન હતી અને બંને આરોપીઓએ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું.
ફરિયાદી મુજબ, રૂ.65,43,145માંથી રૂ.3.70 લાખ પરત મળતાં રૂ.61,73,145ની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે 6 ડિસેમ્બર 2025ના રોજ કપૂરાઈ પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી. જેની તપાસ બાદ પોલીસે હવે દિલીપ ચૌધરી અને લલિત પ્રજાપતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
‘ભવિષ્યની ડિજિટલ કરન્સીમાં રોકાણ છે’ કહી લાલચ આપી
ફરિયાદમાં જણાવ્યા મુજબ, લલિત પ્રજાપતિએ નાથારામને રોકાણ સમજાવતાં કહ્યું હતું કે અગાઉ સોનાના સિક્કા ચલણ તરીકે વપરાતા હતા, ત્યારબાદ ચાંદીના સિક્કા અને પછી કાગળની નોટો ચલણમાં આવી. હવે ડિજિટલ કરન્સીનો સમય આવી રહ્યો છે અને તેઓ ભવિષ્યમાં આવનારી કરન્સીમાં રોકાણ કરે છે. આ રોકાણમાં દસ ગણું વળતર મળવાની તેમજ કરન્સી ક્યારેય બંધ નહીં થાય અને રોકાણ કરેલા રૂપિયા સુરક્ષિત રહેશે તેવી વાત કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.