Baroda

મેક માય ટ્રિપ વોલેટમાં મોબાઇલ નંબર બદલી રૂ.5.98 લાખની છેતરપિંડી

By GS Team
5 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં સાયબર છેતરપિંડીના ગુનામાં આરોપી મંજુરઅલી સાદીકઅલી (મધ્યપ્રદેશ)ની નિયમિત જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આરોપીએ કંપનીના મેક માય ટ્રિપ વોલેટમાંથી મોબાઇલ નંબર બદલી 51 બુકિંગ દ્વારા રૂ. 7,03,887ની છેતરપિંડી આચરી હતી. આશરે રૂ. 5,98,430ની વસૂલાત અને અન્ય આરોપીઓની તપાસ બાકી હોઈ, કોર્ટે જામીન અરજી રદ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

મેક માય ટ્રિપ વોલેટમાં મોબાઇલ નંબર બદલી રૂ.5.98 લાખની છેતરપિંડી

Vadodara Cyber Fraud : વડોદરા સેશન્સ કોર્ટમાં સાયબર છેતરપિંડીના ગુનામાં આરોપી મંજુરઅલી સાદીકઅલી (રહે. છતરપુર, મધ્યપ્રદેશ) દ્વારા રજૂ કરવામાં આવેલી નિયમિત જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ખાનગી કંપનીના કર્મચારી આશિષકુમાર પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ કંપનીના મેક માય ટ્રિપ વોલેટમાં નોંધાયેલા મોબાઇલ નંબર સાથે ચેડા કરી તેને બદલી નાખ્યો હતો.
ત્યારબાદ અલગ અલગ ગ્રાહકોના નામે ફ્લાઇટ, બસ અને હોટલ સહિત કુલ 51 બુકિંગ કરાવ્યા હતા. આ બુકિંગ મારફતે કુલ રૂ.7,03,887ના વ્યવહારો થયા હતા.
કંપની દ્વારા 11 બુકિંગ રદ કરવામાં આવતા રૂ.1,05,937ની રકમ પરત મળી હતી. આમ, કંપનીને આશરે રૂ.5,98,430ની છેતરપિંડી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપી હાલ ન્યાયિક કસ્ટડીમાં છે.
જામીન અરજીનો વિરોધ કરતાં સરકાર તરફે સરકારી વકીલ અનિલ એમ.દેસાઈએ દલીલ કરી હતી કે આરોપી મધ્યપ્રદેશનો રહેવાસી હોવાથી જામીન પર મુક્ત કરવામાં આવે તો નાસી જવાની શક્યતા છે. ઉપરાંત તપાસ હજુ બાકી છે. કંપનીના વોલેટમાં નોંધાયેલ મોબાઇલ નંબર કોણે બદલ્યો, કયા સાધનોનો ઉપયોગ થયો, સીમકાર્ડ કેવી રીતે મેળવવામાં આવ્યા અને આ ગુનામાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ કરવાની બાકી હોવાનું કોર્ટ સમક્ષ જણાવાયું હતું.
તપાસ દરમિયાન આરોપી પાસેથી બે મોબાઇલ ફોન મળી આવ્યા હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ મોબાઇલના આઈએમઈઆઈ નંબર છેતરપિંડીના વ્યવહારો સાથે જોડાયેલા હોવાનું પોલીસનું કહેવું છે. ગુનામાં ઉપયોગમાં લેવાયેલા સીમકાર્ડ પણ કબજે કરવામાં આવ્યા છે. હજુ રૂ.5.98 લાખની રકમની વસૂલાત કરવાની બાકી છે તેમજ સહઆરોપીની ધરપકડ પણ બાકી હોવાનું સરકાર તરફે જણાવાયું હતું.
કોર્ટે નોંધ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ આરોપી ગુનામાં સીધી રીતે સંકળાયેલો હોવાનું જણાય છે. જપ્ત કરાયેલા મોબાઇલ ઉપકરણો અને ફરિયાદી કંપનીના વોલેટમાં થયેલા વ્યવહારો વચ્ચેનો સીધો તકનીકી સંબંધ આરોપી વિરુદ્ધ મજબૂત પ્રથમદૃષ્ટિ કડી સ્થાપિત કરે છે.
કોર્ટે વધુમાં નોંધ્યું કે આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો ટેકનોલોજીનો ઉપયોગ કરીને નાણાં અન્ય સ્થળે ટ્રાન્સફર કરવાની શક્યતાને નકારી શકાય નહીં. તેમજ ડિજિટલ પુરાવા સાથે ચેડા થવાનું જોખમ પણ રહેલું છે. આરોપી અન્ય રાજ્યનો રહેવાસી હોવાથી તેની હાજરી સરળતાથી સુનિશ્ચિત કરી શકાય તેમ ન હોવાનું પણ કોર્ટે ધ્યાનમાં લીધું હતું.
આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને સેશન્સ કોર્ટે મંજુરઅલી સાદીકઅલીની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે.