મહીસાગરના પાણીનાં સ્ત્રોતો પરના કામ માટે રૂ.35.81 લાખ વધુ ચૂકવાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરને પાણી પૂરું પાડતા મહીસાગર નદી કાંઠે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ પાણીના સ્ત્રોતો ખાતે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને સિવિલ કામગીરીના નવીનીકરણ સાથે સુરક્ષાનાં સાધનો બેસાડવા માટે અંદાજ કરતાં વધુ રકમ ચૂકવવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ કામ માટે રૂ.12.47 કરોડની અંદાજિત રકમ સામે આર.સી.પટેલનું રૂ.12.83 કરોડનું ભાવપત્રક રજૂ થયું છે. આમ, અંદાજ કરતાં રૂ.35.81 લાખ વધુ ચૂકવવા પડશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક મહીસાગર નદી કાંઠે ફાજલપુર, પોઇચા, રાયકા, દોડકા આરસીડબલ્યુ, દોડકા ઇન્ટેકવેલ અને દોડકા ડબલ્યુટીપી ખાતેની વ્યવસ્થા મારફતે શહેરમાં પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આ સ્થળોએ પમ્પિંગ મશીનરીને વીજળી પૂરી પાડતા પીએમસીસી પેનલથી પંપ સેટ સુધીના પાવર કેબલ જૂના થઈ ગયા હોવાથી અવારનવાર ફોલ્ટ સર્જાય છે. તેના કારણે પાણી વિતરણ વ્યવસ્થા પર પણ અસર પડે છે. હવે આ સમસ્યાના ઉકેલ માટે નવીનીકરણની કામગીરી હાથ ધરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.
આ કામગીરીમાં નવા પોલ સ્ટ્રક્ચર ઊભા કરવા, નવા હાઈટેન્શન કેબલ નાખવા, નવી એમસીસી પેનલ બેસાડવી, નવા લો ટેન્શન કેબલ નાખવા, પંપ હાઉસ અને પેનલ રૂમનું વીજળીકરણ, પ્લાન્ટમાં લાઇટિંગની વ્યવસ્થા, સીસીટીવી કેમેરા બેસાડવા તથા સુરક્ષા માટેનાં સાધનો ખરીદવા સહિત કુલ 13 કામોનો સમાવેશ થાય છે.
આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બીજા પ્રયાસમાં સાત ઇજારદારો લાયક ઠર્યા હતા. તેમાંથી સૌથી ઓછો ભાવ આપનાર આર.સી.પટેલનો ભાવ અંદાજિત રકમ કરતાં 2.87 ટકા વધુ છે. અંદાજિત રૂ.12,47,86,762 સામે ઇજારદારનું ભાવપત્રક રૂ.12,83,74,228નું છે.
આ ઉપરાંત આ કામના સલાહકાર રાય ઇન્ફ્રા. પ્રાઇવેટ લિમિટેડને રૂપિયા 13.48 લાખ ચૂકવાશે.




