ફ્લાઇટ તાલીમ વિઝાના નામે વિદ્યાર્થીનીની પાસેથી રૂ.23 લાખ પડાવ્યા, અમેરિકા પહોંચાડવાના બદલે યુવતીને અલગ-અલગ એરપોર્ટ પરથી પરત મોકલ્યાનો આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Visa Scam : અમેરિકા ખાતે ફ્લાઇટ તાલીમ માટેના વિઝા અપાવવાના બહાને વિદ્યાર્થીનીની પાસેથી અલગ-અલગ ફીના નામે લાખો રૂપિયા મેળવી યુએસએના બોગસ વિઝા આપી છેતરપિંડી આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીને મુંબઈ, ચેન્નઈ અને સિંગાપોર સહિતના સ્થળોએ મોકલી બાદમાં પરત બોલાવી દેવામાં આવી હોવાની ફરિયાદના આધારે નવાપુરા પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય અમીશા રૂપાણી વધુ અભ્યાસ માટે અમેરિકા જવા માંગતી હોવાથી મણિનગર ખાતે ઓફિસ ધરાવતી પ્રેમલત્તાબેનનો સંપર્ક કર્યો હતો. યુવતીએ સ્ટુડન્ટ વિઝા અંગે વાત કરતાં પ્રેમલત્તાબેને સ્ટુડન્ટ વિઝા નહીં થાય, પરંતુ ફ્લાઇટ તાલીમ માટે અરજી કરવામાં આવે તો વિઝા મળી શકે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ રિદ્ધિ ઉદય જોશી (રહે.શક્તિપાર્ક સોસાયટી, સમારોડ)નો સંપર્ક કરાવવામાં આવ્યો હતો.
રિદ્ધિ જોશીએ ફ્લાઇટ તાલીમ વિઝા માટે આશરે રૂ.25 લાખની ફી ભરવાની વાત કરી હતી. એડવાન્સ પેમેન્ટ, વિઝા પ્રોસેસિંગ ફી અને I-20 ફોર્મની ફીના નામે રકમ લેવામાં આવી હતી. પાંચ વર્ષના વિઝા અપાવવાની બાંહેધરી આપવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. રિદ્ધિના પાર્ટનર શુભમ શૈલેષ દેસાઈ (રહે. પુષ્ટિ વાટિકા, વડસર બ્રિજ પાસે)ના કહેવાથી યુવતીએ તેને પણ પેમેન્ટ કર્યું હતું.
ફરિયાદ મુજબ આરોપીઓની એસ.જી. એવિએશન ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ (ફ્લાઇટ મોડ ઇન્સ્ટિટ્યૂટ) નામની ઓફિસ કુંજ પ્લાઝા, પૂજા નર્સિંગ હોમ પાસે, રાજમહેલ રોડ પર આવેલી હતી. ઓક્ટોબર 2024માં રિદ્ધિના કહેવાથી યુવતી મુંબઈ ગઈ હતી, જ્યાં વિશાલ ગાંધી (રહે.સોમા તળાવ)ને પાસપોર્ટ અને જરૂરી દસ્તાવેજો આપ્યા હતા.
ત્યારબાદ રિદ્ધિ અને શુભમે યુવતીને વિઝા આવી ગયા હોવાનું જણાવી વિઝાના ફોટો મોકલ્યો હતો. પાસપોર્ટ મેળવવા માટે વધુ રૂપિયા આપવાના હોવાનું કહી યુવતી પાસેથી વડોદરા ખાતે ઓફિસમાં રૂ.10 લાખ રોકડા લીધા હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. જોકે ત્યારબાદ યુવતીને ઈમિગ્રેશન નહીં થાય અને તેના ખર્ચની રકમ પરત આપી દેવાની વાત કરવામાં આવી હતી. બાદમાં યુવતીને જાણવા મળ્યું કે તેને આપવામાં આવેલા વિઝા ખોટા છે.
ચેન્નઈ, મુંબઈ અને સિંગાપોર મોકલી પરત બોલાવી
ફરિયાદ મુજબ ઓગસ્ટ 2024માં યુવતીને ઈન્ટરવ્યૂ માટે ચેન્નઈ મોકલવામાં આવી હતી. ત્યાં પાસપોર્ટ સહિતના દસ્તાવેજો લઈ ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું. જોકે યુનિવર્સિટીના ગ્રેજ્યુએશન સર્ટિફિકેટની ખરાઈ ન થતાં પાસપોર્ટ પરત આપવામાં આવ્યો હતો અને વિઝા કન્ફર્મ થયા ન હતા. આ ઉપરાંત યુવતીને મુંબઈ અને સિંગાપોર પણ મોકલવામાં આવી હતી અને બાદમાં પરત બોલાવવામાં આવી હતી. આરોપીઓએ M-1 પ્રકારના વિઝા બંધ થઈ ગયા હોવાનું તેમજ અમેરિકામાં ટ્રમ્પ સરકારના સમયમાં સ્ટુડન્ટ્સ સાથે યોગ્ય વર્તન નહીં થાય તેવી વાત કરી ફરીથી પ્રયાસ કરવાની વાત કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
રૂ.23 લાખની રકમ પડાવ્યાનો આક્ષેપ
આ સમગ્ર સમયગાળા દરમિયાન એપ્રિલ 2024થી જૂન 2026 વચ્ચે અલગ-અલગ ફી અને અન્ય ખર્ચના નામે યુવતી પાસેથી કુલ રૂ.23 લાખ જેટલી રકમ મેળવી લેવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. આરોપીઓએ બોગસ વિઝા તૈયાર કરી આપ્યા ઉપરાંત પાસપોર્ટને નુકસાન પહોંચાડ્યું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
આ મામલે નવાપુરા પોલીસે પ્રેમલત્તાબેન (મણિનગર, અમદાવાદ), રિદ્ધિબેન ઉદય જોશી (શક્તિ પાર્ક સોસાયટી, સમા), શુભમ શૈલેષ દેસાઈ (પુષ્ટિ વાટિકા, વડસર બ્રિજ પાસે) અને વિશાલ ગાંધી (સોમા તળાવ) સામે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.









