દિલ્હીના ફાર્મા એક્ઝિબિશનના ડેટા પરથી રોહિત ગોદારા ગેંગે વડોદરાના વેપારીને ખંડણી માટે ટાર્ગેટ કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના વેપારી પાસે ૧૦ કરોડની ખંડણી વસૂલવાના પ્રકરણમાં દિલ્હીમાં યોજાયેલા ફાર્મા એક્ઝિબિશનના ડેટા પરથી રોહિત ગોદારા ગેંગ દ્વારા વેપારીને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનું મનાય છે.
વડોદરાના વેપારીને રોહિત ગોદારા ગેંગના નામે મહેન્દ્ર દેલાણા દ્વારા ધમકી આપી ૧૦ કરોડની ખંડણી માગવામાં આવી હતી.વેપારીને વારંવાર ફોન આવતા હતા અને વોઇસ નોટ્સ પણ મોકલવામાં આવી હતી.ખંડણી માટે બે કરોડની રકમ સુધી વાત આવી હતી અને ટોકન પેટે રૃ.૧૦લાખ લેવા માટે મહેન્દ્ર દેલાણાએ કુલદીપ સ્વામીને દિલ્હી મોકલતાં વડોદરા પોલીસે છટકું ગોઠવ્યું હતું.
દિલ્હીના ચાંદનીચોક વિસ્તારમાંથી પકડાઇ ગયેલા કુલદીપ સ્વામીની કારમાંથી રૃ.ચાર કરોડની કિંમતનું પાકિસ્તાની હેરોઇન પણ મળી આવ્યું હતું.જેથી દિલ્હી પોલીસે ડ્રગ્સનો કેસ નોંધી કુલદીપ ગણેશદાસ સ્વામી (જયવિહાર સોસાયટી,બાપરોલા,નજરગઢ, દિલ્હી મૂળ કલ્યાણપુરા, બિંદવાતન,ચુરૃ, રાજસ્થાન)ની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી હતી.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ખંડણીનો ગુનો નોંધ્યો હોવાથી આ ગુનામાં કુલદીપની ધરપકડ કરી દિલ્હી પોલીસ પાસેથી વડોદરા લાવવામાં આવ્યો હતો.કુલદીપના પાંચ દિવસના રિમાન્ડ પુરા થતાં તેને કોર્ટમાં રજૂ કર્યો હતો.આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ દિલ્હી પોલીસને પાછો સોંપવા માટે પોલીસ રવાના થઇ હોવાનું જાણવા મળ્યું છે.




