વડોદરામાં વરસાદી કાંસ માટે રસ્તો ખોદ્યો, સમારકામ બાદ પણ ઉબડખાબડ જ રહ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા શહેરમાં રસ્તાના સમારકામની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેલ રોડથી ભીમનાથ બ્રિજ તરફ જતા માર્ગ પર વરસાદી કાંસ નાખવા માટે રસ્તો ખોદવામાં આવ્યો હતો. કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ યોગ્ય રીતે પેચવર્ક ન થતાં થોડા જ સમયમાં રસ્તાની હાલત ફરી બિસમાર બની ગઈ છે.
માર્ગ પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે અને રસ્તામાં વપરાયેલી કપચી બહાર આવી ગઈ છે. પરિણામે રસ્તો ઉબડખાબડ બની જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.
મહત્વનું છે કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા અનેક વખત પેચવર્કની કામગીરી દરમિયાન રસ્તાની સપાટી જાળવવા સૂચના આપવામાં આવી છે. તેમ છતાં સ્થળ પરની કામગીરીમાં આ સૂચનાનું પાલન થતું ન હોવાનું સામે આવ્યું છે. વધુમાં, પેચવર્ક થયાના ખૂબ જ ટૂંકા સમયગાળામાં તેનું ધોવાણ થઈ જતાં કામગીરીની ગુણવત્તા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.
આ અંગે સામાજિક કાર્યકરે આક્ષેપ કર્યો હતો કે, એક તરફ રસ્તા બનાવવામાં આવે છે અને બીજી તરફ વિવિધ કામગીરીના નામે રસ્તા ખોદી નાખવામાં આવે છે. બાદમાં યોગ્ય ગુણવત્તા જાળવ્યા વિના સમારકામ કરી માત્ર બિલો પાસ કરાવવાની કામગીરી થતી હોવાના આક્ષેપ પણ તેમણે કર્યા હતા.
સામાજિક કાર્યકરે વધુમાં જણાવ્યું હતું કે હાલ શ્રીજીની આગમન યાત્રાઓ પણ નીકળી રહી છે. આવા ઉબડખાબડ રસ્તા પરથી પ્રતિમાઓની આગમન યાત્રા દરમિયાન જો પ્રતિમાને નુકસાન થાય તો તેની જવાબદારી કોની રહેશે? રસ્તાની ગુણવત્તા જાળવવામાં બેદરકારી દાખવનારા જવાબદાર અધિકારીઓ, પદાધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરવાની માગ તેમણે કરી છે.




