રિક્ષા-ટેક્સી યુનિયનો ડ્રાઇવરોના હિત માટે આવતીકાલે રાજ્યભરમાં આવેદનપત્ર અપાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Auto Taxi Union Protest : ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ઓટો રિક્ષા, બાઈક ટેક્સી, ટેક્સી-કેબ અને માલવાહક વાહનોના ચાલકોના હક અને રોજીરોટીનો પ્રશ્ન ઉઠાવવા ડ્રાઇવર સંગઠનો મેદાને આવ્યા છે. ડ્રાઇવરોના આર્થિક હિતો, સામાજિક સુરક્ષા અને કલ્યાણકારી સુવિધાઓની માગ સાથે 27 નવેમ્બરના રોજ દેશભરમાં વિવિધ સંગઠનો દ્વારા સરકારને આવેદનપત્ર આપવામાં આવશે. ગુજરાતમાં ગુજરાત સારથી સંઘના નેજા હેઠળ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ધરણાં યોજીને મુખ્યમંત્રીને સંબોધિત આવેદનપત્ર આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં ગુજરાત સારથી સંઘ, અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન-85 વેજલપુર, અમદાવાદ રેલવે સ્ટેશન યુનિયન, નવયુગ ઓટો ડ્રાઇવર વેલ્ફેર એસોસિયેશન, ઓટો ડ્રાઇવર એકતા સમિતિ, સ્માર્ટ સિટી ઓટો ડ્રાઇવર યુનિયન અમદાવાદ, અમદાવાદ ટેક્સી ડ્રાઇવર યુનિયન, ગુજરાત ઓટોરિક્ષા ડ્રાઇવર ફેડરેશન અને વડોદરા શહેર જિલ્લા રિક્ષા ડ્રાઇવર યુનિયન સહિતનાં સંગઠનો જોડાશે.
ડ્રાઇવર સંગઠનો દ્વારા રજૂ કરવામાં આવનારી મુખ્ય માગણીઓમાં ગુજરાત ડ્રાઇવર્સ વેલ્ફેર બોર્ડની રચના, ઓટો રિક્ષાનાં ભાડાનું વૈજ્ઞાનિક ઢબે નિર્ધારણ, એગ્રીગેટર કંપનીઓના અન્યાયી નિયમો પર નિયંત્રણ, તમામ પ્રકારના ડ્રાઇવરો માટે સામાજિક સુરક્ષા, યોગ્ય આવક અને કાયદાનું સમાન અમલીકરણનો સમાવેશ થાય છે.
ગુજરાત સારથી સંઘના રાજવીર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ડ્રાઇવરોના હક અને રોજીરોટી સાથે જોડાયેલા પ્રશ્નોનો કાયમી ઉકેલ આવે તે માટે સરકાર સમક્ષ કાયદેસર રજૂઆત કરવામાં આવશે. ડ્રાઇવરોને યોગ્ય ન્યાય અને કલ્યાણકારી સુવિધાઓ મળે તે માટે સરકાર સાથે રચનાત્મક સંવાદ કરવાનો પણ પ્રયાસ કરાશે.
આમ, પોતાના હક અને રોજીરોટીના પ્રશ્નોને લઈને રિક્ષા, ટેક્સી, બાઈક ટેક્સી અને માલવાહક વાહનોના ચાલકો એક મંચ પર આવી સરકાર સમક્ષ માગણીઓ રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.




