VIDEO| માત્ર 45 cmનો 'શ્યામશિર સર્પ': વડોદરામાં મળ્યો અતિ દુર્લભ સાપ, જાણો કેમ ભાગ્યે જ જોવા મળે છે આ 'ગુપ્ત જીવ'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Rare Dumerils Black Headed Snake Rescued: વડોદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી વન્યજીવ પ્રેમીઓ અને સરીસૃપ નિષ્ણાતો માટે ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. અહીંથી અતિ દુર્લભ અને ખુબ જ ઓછી વાર જોવા મળતા બિનઝેરી ‘શ્યામશિર સર્પ’ (Duméril's Black-headed Snake)નું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. GSPCA(ગુજરાત સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ) સંસ્થાના વોલેન્ટિયરે આશરે 45 સેન્ટિમીટર લાંબા સર્પને સલામત રીતે રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપ્યો છે.
શું છે ‘શ્યામશિર સર્પ’ની ખાસિયતો?
આ સાપ મૂળ ભારતીય ઉપખંડ (ભારત, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ)નો વતની છે. તે દક્ષિણ અને મધ્ય ભારત તેમજ ગુજરાત, રાજસ્થાનના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં ફેલાયેલો છે. આ સાપ જળચર (પાણીમાં રહેતો) નથી, પરંતુ જમીન પર રહેનારો સાપ છે. તે ખાસ કરીને ભેજવાળી જમીન, ઝાડ-પાનનો સૂકો કચરો, પથ્થરોના તિરાડો કે ભીની માટીના દરમાં રહેવાનું પસંદ કરે છે. આ સાપ માનવજાત માટે સહેજ પણ ખતરનાક નથી. તેનામાં ઝેર હોતું નથી અને તે ખુબ જ શાંત સ્વભાવનો હોય છે.
સાપની શારીરિક ઓળખ અને ખોરાક
સાપનું મોં/માથું ઘેરા કાળા રંગનું હોય છે, જ્યારે બાકીનું શરીર બદામી રંગનું હોય છે. તેનું પેટ પીળાશ પડતું સફેદ હોય છે. આ સાપ કદમાં નાનો (મહત્તમ 40 થી 50 સેમી) અને ખૂબ પાતળો હોય છે. તે નાની ગરોળી, કાચિંડા અને નાના કીડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે
કેમ આ સાપ ખૂબ જ ઓછો જોવા મળે છે?
સરીસૃપ નિષ્ણાતોના મતે આ સાપ 'દુર્લભ' હોવાનું મુખ્ય કારણ તેનું 'ગુપ્ત જીવન' છે. આ સાપ મોટે ભાગે જમીનની અંદર, સૂકા પાંદડાના ઢગલા કે પથ્થરો નીચે જ રહે છે. તે દિવસના સમયે ખુલ્લામાં આવવાનું ટાળે છે. તે મોટે ભાગે સાંજના કે રાત્રિના સમયે શિકાર માટે બહાર નીકળે છે. તેનું કદ ખૂબ નાનું હોવાથી તે ઘાસ અને પાંદડામાં છુપાઈ જાય છે, જેથી માનવ આંખે જલ્દી ચડતો નથી.
જ્યારે જમીનમાં ભારે ખોદકામ થાય, ખેતરનું કામકાજ ચાલતું હોય કે ચોમાસા પછી જમીનમાં ભેજનું પ્રમાણ બદલાય ત્યારે જ આ સાપ ભાગ્યે જ બહાર જોવા મળતો હોય છે. વડોદરામાંથી તેનું મળવું એ સ્થાનિક જેવ-વિવિધતા માટે ખુબ સારા સંકેત માનવામાં આવે છે.




