વડોદરામાં દબાણ હટાવવાની કામગીરીની ગુપ્તતા સામે સવાલ, વેપારીઓને અગાઉથી જાણ થતાં ટીમ પરત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરમાં જાહેર માર્ગો પરના ગેરકાયદે દબાણો દૂર કરવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. દબાણ દૂર કરવા નીકળતી ટીમની કાર્યવાહીની ગુપ્તતા જળવાતી ન હોવાથી દબાણકારોને અગાઉથી જાણ થઈ જાય છે અને ટીમ સ્થળ પર પહોંચે ત્યારે દબાણો હટાવી દેવામાં આવે છે અથવા કાર્યવાહી મર્યાદિત બની જાય છે. પરિણામે જાહેર માર્ગો પરના દબાણો દૂર કરવાની કામગીરી અસરકારક બનતી નથી.
તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ લાલકોર્ટ પાસે આવેલા સાયકલ બજારમાં દબાણો દૂર કરવા પહોંચી હતી. જોકે, વેપારીઓને અગાઉથી જાણ થઈ જતાં ટીમને ધાર્યું પરિણામ મળ્યું નહોતું અને આખરે વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. દરમિયાન ગઈકાલે રાજમહેલ રોડ પર જાહેર માર્ગને નડતરરૂપ ગેરકાયદે હંગામી દબાણો દૂર કરવા માટે ટીમ ફરી નીકળી હતી.
પરંતુ રાજમહેલ રોડ પર પણ અગાઉની સ્થિતિનું પુનરાવર્તન થયું હતું. લારી-ગલ્લા અને પથારાવાળાઓને કાર્યવાહી અંગે અગાઉથી જાણ થઈ જતાં મોટા ભાગનાં દબાણો સામે અસરકારક કાર્યવાહી થઈ શકી નહોતી. પરિણામે માત્ર ગણતરીની બે-ચાર લારીઓ જ જપ્ત કરવામાં આવી હતી. જ્યારે દુકાનોની આગળ કરવામાં આવેલા વધારાના શેડ વેપારીઓને સૂચના આપીને દૂર કરાવવામાં આવ્યા હતા.
દબાણકારો સુધી કાર્યવાહીનો સંદેશો અગાઉથી કેવી રીતે પહોંચે છે? તેવો સવાલ હવે ઊભો થયો છે. એક તરફ જાહેર રસ્તાઓ પરના દબાણોને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે, તો બીજી તરફ દબાણો દૂર કરવા નીકળતી ટીમની કામગીરીની જાણ અગાઉથી થઈ જતી હોવાના કારણે કાર્યવાહીનો હેતુ જ માર્યો જાય છે.
માત્ર દબાણ શાખા જ નહીં, પરંતુ ઢોર ડબ્બા શાખાની કામગીરીમાં પણ ગુપ્તતા જળવાતી ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. કાર્યવાહી ક્યારે અને કયા વિસ્તારમાં થવાની છે તેની જાણ સંબંધિત લોકોને અગાઉથી થઈ જતી હોવાના આક્ષેપો વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત વિભાગોએ કામગીરીની પદ્ધતિની સમીક્ષા કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.




