વડોદરા કોર્પોરેશનના ઈમરજન્સી કામોના ખર્ચ પર સવાલ : 10થી 30 ટકા વધુ ભાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખી ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) એક્ટની કલમ 67(3)(સી) હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ઈમરજન્સી ધોરણે ડ્રેનેજ, વરસાદી ગટર અને પાણીની લાઈન સંબંધિત કામો કરાવવામાં આવ્યા હતા. જોકે, આમાંથી અનેક કામો અંદાજિત ખર્ચ કરતાં 10થી 30 ટકા વધુ ભાવે કરાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ ખર્ચને બહાલી આપવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આગામી સ્થાયી સમિતિ સમક્ષ વિવિધ દરખાસ્તો રજૂ કરવામાં આવી છે.
વોર્ડ નં.11માં પરિચય પાર્કથી નર્મદા નગર થઈ દિવાળીપુરા ગામ સુધી વરસાદી પાણીના ભરાવાને અટકાવવા નવી વરસાદી ગટર લાઈન નાખવાનું કામ નેહલ કન્સ્ટ્રક્શનને સોંપવામાં આવ્યું હતું. આ કામગીરી પાછળ રૂ.29 લાખનો ખર્ચ થયો છે, જે એસઓઆર દર કરતાં 15 ટકા વધુ હોવાનું જણાવાયું છે.
તે જ વોર્ડમાં હરિઓમનગર પાસે ડ્રેનેજ લાઈનમાં ભંગાણ થતાં સિન્કિંગ ચેમ્બર બનાવવાની કામગીરી રીધમ કન્સ્ટ્રક્શન દ્વારા રૂ.47.87 લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવી હતી. આ કામનો ખર્ચ અંદાજ કરતાં 30 ટકા વધુ નોંધાયો છે. ગાજરાવાડી ખાતે નવા એસટીપી પ્રોજેક્ટની હદમાંથી પસાર થતી હાલની પાણીની લાઈન શિફ્ટ કરવા માટે ભાવેશ આર.પંડ્યા પાસેથી રૂ. 30.55 લાખના ખર્ચે કામગીરી કરાવવામાં આવી હતી. આ કામમાં પણ અંદાજિત કિંમત કરતાં 10 ટકા વધુ ખર્ચ થયો છે.
વોર્ડ નં. 16માં સોમાતળાવ ચાર રસ્તા પાસે હાલના વરસાદી કાંસનો સેક્શન પહોળો કરવાની કામગીરી ઈલાઈટ એન્જિનિયર્સ દ્વારા રૂ.16.37 લાખના ખર્ચે કરવામાં આવી હતી, જેમાં અંદાજ કરતાં 30 ટકા વધુ રકમ ચૂકવવામાં આવી છે.
વોર્ડ નં. 7માં કારેલીબાગ પાણીની ટાંકીથી તુલસીવાડી તરફ જતા માર્ગ પર ડ્રેનેજ લાઈનના ભંગાણની મરામત માટે રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ. દ્વારા રૂ.20.26 લાખના ખર્ચે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ કામમાં 27 ટકા વધુ ખર્ચ નોંધાયો છે.
વોર્ડ નં.1માં નવા યાર્ડ રોડ પર લાલપુરા ગામ પાસે ડ્રેનેજ લાઈનના ભંગાણની કામગીરી યુનિટી ઇન્ફ્રા દ્વારા રૂ.49.28 લાખના ખર્ચે કરવામાં આવી હતી, જે અંદાજિત કિંમત કરતાં 17 ટકા વધુ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
ઈમરજન્સી કામગીરીના નામે કલમ 67(3)(સી) હેઠળ કરાયેલા આ કામોમાં વારંવાર અંદાજ કરતાં વધુ રકમ ચૂકવવાની ફરજ પડતાં મહાનગરપાલિકાના આયોજન અને ટેન્ડર પ્રક્રિયાની અસરકારકતા સામે સવાલો ઊભા થયા છે. હવે સ્થાયી સમિતિની બેઠકમાં આ ખર્ચને બહાલી આપવામાં આવે છે કે વધારાના ખર્ચ અંગે કોઈ ચર્ચા કે સ્પષ્ટતા માંગવામાં આવે છે, તેના પર સૌની નજર રહેશે.









