માણેજામાં જૂના પેવર બ્લોક નખાતા વિરોધ : નેતાઓને ગામમાં ઘૂસવા નહીં દઈએ તેવી ચીમકી, ભાજપના કાર્યકર્તા જોડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ માણેજા ગામમાં પેવર બ્લોક નાખવાની કામગીરીને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગામમાં નવા પેવર બ્લોકના બદલે જૂના અને કચરા જેવા પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરી ગ્રામજનોએ હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક લોકોના વિરોધ છતાં કામગીરી ચાલુ રાખવામાં આવતાં મામલો વધુ ગરમાયો છે.
વિરોધ કરી રહેલા ગ્રામજનો અને કાર્યકરોના જણાવ્યા મુજબ માણેજા ગામ શહેરનું છેવાડાનું ગામ હોવાથી તેની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. કચરા જેવા અને જૂના પેવર બ્લોક નાખીને કામગીરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પેવર બ્લોકની ગુણવત્તા અને કામગીરીની પદ્ધતિ સામે પણ શંકા વ્યક્ત કરી સમગ્ર કામગીરી તપાસના દાયરામાં લાવવાની માગ કરવામાં આવી છે.
મહત્વનું છે કે આ વિરોધમાં કેટલાક ભાજપના આગેવાનો અને કાર્યકરો પાર્ટીના ખેસ અને ટોપી ધારણ કરીને જોડાયા હતા. જેના કારણે પેવર બ્લોકનો મુદ્દો હવે રાજકીય મોરચે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક કાઉન્સિલરને રજૂઆત કરવા છતાં પેવર બ્લોક નાખવાની કામગીરી અટકાવવામાં આવી નથી. જો કામગીરીમાં સુધારો નહીં કરવામાં આવે તો ગ્રામજનો જાતે જ કામગીરી રોકશે અને ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. સાથે નેતાઓને ગામમાં ઘૂસવા નહીં દેવાની ચીમકી આપી છે
સ્થાનિકોમાં કાઉન્સિલર અને ધારાસભ્ય સામે પણ નારાજગી જોવા મળી હતી. ગ્રામજનોએ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે ચૂંટણી આવે ત્યારે જ કાઉન્સિલર અને ધારાસભ્યને ગામના લોકો યાદ આવે છે, પરંતુ પ્રાથમિક સુવિધાઓ અને વિકાસના કામો વખતે ગામ પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી.
માણેજા ગામમાં પેવર બ્લોકના મુદ્દા ઉપરાંત માં ગાયત્રી પ્રાથમિક શાળાના બાંધકામનો મુદ્દો પણ ગ્રામજનો માટે પરેશાનીનું કારણ બન્યો છે. શાળાનું બાંધકામ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું હોવાના કારણે વિદ્યાર્થીઓને એસઆરપી ગ્રુપ ખાતે ભણવા જવું પડી રહ્યું છે.
શાળા દૂર સ્થળે ખસેડાતા વિદ્યાર્થીઓ અને વાલીઓનો સમય તથા મુસાફરી પાછળનો ખર્ચ વધી રહ્યો છે. સાથે જ નાના બાળકોને આવનજાવનમાં હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. શાળાનું બાંધકામ ઝડપથી પૂર્ણ કરી વિદ્યાર્થીઓને ગામમાં જ અભ્યાસની સુવિધા ઉપલબ્ધ કરાવવાની પણ માગ ઉઠી છે.




