રખડતા શ્વાનોના ખસીકરણ-રસીકરણ માટે વધુ સંસ્થાઓને તક આપવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરમાં રખડતા શ્વાનોની વધતી સંખ્યા અને તેમના કારણે સર્જાતી સમસ્યાઓ વચ્ચે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્વાનોને પકડી તેમનું ખસીકરણ તથા હડકવા વિરોધી રસીકરણ કરવાની કામગીરી માટે વધુ સંસ્થાઓને તક આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.
ભારત સરકારના એનિમલ બર્થ કંટ્રોલ (એબીસી) કાર્યક્રમ અંતર્ગત રખડતા શ્વાનોને પકડી તેમનું ખસીકરણ અને રસીકરણ કર્યા બાદ જે સ્થળેથી પકડવામાં આવ્યા હોય તે જ વિસ્તારમાં પરત મૂકવાની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી માટે ગત 11 જૂનના રોજ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમાં બે સંસ્થા/ઈજારદાર લાયક ઠર્યા હતા, જેમાં વી.એસ.પી.સી.એ. (ચાપડ) અને યશ ડોમેસ્ટિક રિસર્ચ સેન્ટર (પાલનપુર)નો સમાવેશ થાય છે.
હવે આ જ દરે અને શરતો મુજબ જો એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા (એ.ડબલ્યુ.બી.આઈ.) માન્ય અન્ય કોઈ સંસ્થા પણ આ કામગીરી કરવા માટે રસ દાખવે અને તૈયાર થાય તો તેને પણ સમાન ધોરણે કામગીરી સોંપવાની દરખાસ્ત કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા નવો વાર્ષિક ઈજારો થાય ત્યાં સુધી રખડતા શ્વાનોના ખસીકરણ, રસીકરણ અને સંબંધિત કામગીરીમાં વિક્ષેપ ન પડે તે માટે હાલના નાણાકીય તથા સમયગાળામાં જરૂરી વધારો કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.




