8 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિવિધ રેલવે પ્રોજેક્ટના શિલાન્યાસ-લોકાર્પણ : નવી ટ્રેન સેવા અને માલગાડીઓનો પણ પ્રારંભ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : આગામી 8 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે શહેર અને આસપાસના વિસ્તારોને રેલવે ક્ષેત્રે રૂ.30,776 કરોડના વિવિધ પ્રોજેક્ટની ભેટ મળવા જઈ રહી છે. વડાપ્રધાનના હસ્તે વિવિધ રેલવે પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણના કાર્યક્રમો યોજાશે.
વડોદરા-રતલામ વચ્ચેની ત્રીજી અને ચોથી રેલવે લાઇનના રૂ.8,885 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે. આ ઉપરાંત જોબટ-ટાંડા રોડ રેલવે વિભાગના રૂ.334 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થશે.
વિશ્વામિત્રી-ડભોઇ વચ્ચેની ડબલ રેલવે લાઇનના રૂ.394 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. જ્યારે મિયાગામ કરજણ-ચોરંદા-માલસર વચ્ચે ગેજ પરિવર્તનના રૂ.450 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે.
આ ઉપરાંત સમર્પિત માલવાહક રેલ કોરિડોરના વિવિધ નવનિર્મિત વિભાગોનું લોકાર્પણ પણ થશે. જેમાં ન્યુ સાણંદ (નોર્થ)-મકરપુરા, ન્યુ ઉમરગામ-ન્યુ સફાળે અને ન્યુ સફાળે-ન્યુ જે.એન.પી.ટી. વિભાગોનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ રૂ.20,703 કરોડનો ખર્ચ થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા-ટાંડા રોડ વચ્ચેની નવી ટ્રેન સેવાને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવશે. સાથે જ સમર્પિત માલવાહક રેલ કોરિડોરના નવનિર્મિત વિભાગો પર માલગાડીઓના સંચાલનનો પણ શુભારંભ કરવામાં આવશે.
આમ, વડોદરા સહિત ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા રેલવે માળખાને વધુ મજબૂત બનાવતા કુલ રૂ.30,776 કરોડના પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવનાર છે. વડાપ્રધાનની 8 સપ્ટેમ્બરની વડોદરા મુલાકાતને લઈને રેલવે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.




