Baroda

ભીડ એકઠી કરવા કોર્પોરેશનના કર્મચારીઓ પર દબાણ!

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાનના જન્મદિને સુરસાગર તળાવે 76 હજાર દીવડા પ્રગટાવવાના કાર્યક્રમમાં વિવાદ થયો. કોર્પોરેશનના અધિકારીઓ-કર્મચારીઓને ફરજ બાદ સુરસાગર ખાતે હાજરી પૂરવા ફરજ પડાતા રોષ ફેલાયો. ચેકઆઉટનું સ્થળ બદલી સુરસાગર રાખતા કર્મચારીઓને મુશ્કેલી પડી. ભીડ વધારવા કર્મચારીઓનો ઉપયોગ કરાયો હોવાનો આક્ષેપ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભીડ એકઠી કરવા  કોર્પોરેશનના કર્મચારીઓ પર દબાણ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે આજે રાત્રે સુરસાગર તળાવ ખાતે ૭૬ હજાર દીવડા પ્રગટાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભીડ દેખાય તે માટે મ્યુનિ.કોર્પોરેશનના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ પૂર્ણ કર્યા બાદ સુરસાગર તળાવ ખાતે પહોંચીને હાજરી પૂરવાની ફરજ પાડતા વિવાદ સર્જાયો છે.

કોર્પોરેશનના કર્મચારીઓ માટેની હાજરી વ્યવસ્થામાં ચેક ઇન અને ચેકઆઉટ માટે કચેરીનું સ્થળ નક્કી હોય છે, પરંતુ આજે દીવડા પ્રગટાવવાના કાર્યક્રમને પગલે ચેકઆઉટનું સ્થળ બદલીને સુરસાગર તળાવ રાખવામાં આવ્યું હતું. જેના કારણે અધિકારીઓ અને કર્મચારીઓને પોતાની ફરજ પૂર્ણ કર્યા બાદ સુરસાગર તળાવ ખાતે દોડવું પડયું હતું.

સામાજિક કાર્યકરના જણાવાયા મુજબ, કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હોવાના દ્રશ્યો ઊભા થાય તે માટે કોર્પોરેશનના કર્મચારીઓને ફરજિયાત સુરસાગર ખાતે પહોંચવાની સૂચના આપી હતી. ખાસ કરીને હાજરી વ્યવસ્થામાં ચેકઆઉટનું સ્થળ ફરજિયાત સુરસાગર તળાવ રાખવામાં આવતા કર્મચારીઓ માટે કાર્યક્રમમાં હાજર રહેવું જાણે ફરજનો જ એક ભાગ બની ગયું હોવાની લાગણી ઊભી થઈ હતી.

એક કર્મચારીએ જણાવ્યું હતું કે, ફરજ બાદ ચેકઆઉટ માટે સુરસાગર જવું ફરજિયાત કરાતા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. સામાન્ય રીતે કર્મચારી જ્યાં ફરજ બજાવે છે ત્યાંથી હાજરી પૂરી કરીને ઘરે જઈ શકે છે, પરંતુ આજે ચેકઆઉટનું સ્થળ બદલાતા કર્મચારીઓને વધારાનું અંતર કાપીને તેમજ વધુ સમય રોકાઈને કાર્યક્રમ સ્થળે પહોંચવું પડયું હતું. પરિણામે દીવડા પ્રગટાવવાના કાર્યક્રમની ભીડ વધારવા માટે કર્મચારીઓનો ઉપયોગ કરાયો હોવાથી રોષનો માહોલ છે.