વડોદરાના માંજલપુરમાં પેટાચૂંટણીની તૈયારીઓ : EVMનું ચેકિંગ શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara By Election : વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકના ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલના જૈફ વયે અવસાન બાદ બેઠક ખાલી પડતા પેટાચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે ઇવીએમ અને વીવીપેટના સંગ્રહ કેન્દ્ર ખાતે મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
ચૂંટણી અધિકારી નિહાર ભેટારિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી વિભાગની ટીમ દ્વારા ઇવીએમની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે. 145-માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને આગામી 2 જુલાઈ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે.
માંજલપુર વિધાનસભા ક્ષેત્રના 260 મતદાન મથકો માટે 520 ઇવીએમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ચેકિંગ દરમિયાન સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, સંગ્રહ કેન્દ્ર બહાર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને કામગીરી દરમિયાન મોબાઇલ ફોનની અવરજવર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
બીજી તરફ, પેટાચૂંટણીની સત્તાવાર જાહેરાત હજુ બાકી હોવા છતાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપમાં માંજલપુર બેઠક માટે અનેક દાવેદારો સક્રિય બન્યા છે અને ટિકિટ મેળવવા માટે સંગઠન તેમજ પક્ષના વરિષ્ઠ નેતાઓ સુધી લોબિંગ શરૂ થઈ ગયું છે.
નોંધનીય છે કે રાજ્યમાં આગામી સામાન્ય વિધાનસભા ચૂંટણી વર્ષ 2027ના અંતમાં યોજાય તેવી સંભાવના છે. જોકે, તે પહેલાં માંજલપુર બેઠક માટે પેટાચૂંટણી યોજાશે અને તેની તારીખોની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે તેવું જાણવા મળે છે.







