Baroda

એમ્બ્યુલન્સમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી રૃા.૮૬.૩૦ લાખના પોશ ડોડા ઝડપાયા

By GS Team
27 Jul 20261 min read
TukuTouch Logo
દાહોદના ઝાલોદ નજીકથી પોલીસે એમ્બ્યુલન્સમાં હેરાફેરી થતો 575 કિલો પોષ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. મધ્યપ્રદેશથી રાજસ્થાન જઈ રહેલી આ એમ્બ્યુલન્સમાંથી ₹86.30 લાખના પોષ ડોડા સાથે ડ્રાઇવર ભવરારામ જાટની ધરપકડ કરાઈ છે. પ્રાથમિક તપાસમાં આ નશાના નેટવર્કના અન્ય બે આરોપીઓના નામ પણ ખુલ્યા છે, જે અંગે વધુ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એમ્બ્યુલન્સમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી રૃા.૮૬.૩૦ લાખના પોશ ડોડા ઝડપાયા

મધ્યપ્રદેશથી એમ્બ્યુલન્સમાં નશા માટે ઉપયોગમાં લેવાતા પોશ ડોડાની રાજસ્થાનમાં હેરાફેરીનું નેટવર્ક દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ઝડપાયું છે. પોલીસે એમ્બ્યુલન્સ તેમજ રૃા.૮૬.૩૦ લાખ કિંમતના પોશ ડોડાના જથ્થા સાથે એમ્બ્યુલન્સના ડ્રાઇવરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામ નજીક કુશલગઢ (રાજસ્થાન) તરફથી આવતી એક એમ્બ્યુલન્સને શંકાના આધારે પોલીસે રોકી તપાસ હાથ ધરતા એમ્બ્યુલન્સમાંથી અંદાજે ૫૭૫ કિલો પોશડોડાનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે પોશડોડાનો રૃા.૮૬.૩૦ લાખનો જથ્થો, એમ્બ્યુલન્સ, મોબાઈલ સહિત કુલ રૃા.૮૯.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે ભવરારામ રેખારામ જાટ (રહે.બાડમેર, રાજસ્થાન)ની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મંગળસિંહ જાટ નામના વ્યક્તિએ મધ્યપ્રદેશના મંદસૌરથી નશાકારક પોશડોડાનો જથ્થો ભરાવી આપ્યો હતો અને બાડમેરના બાંકારામ જાટને પહોંચાડવાનો હતો. પોલીસે ઝડપાયેલા ડ્રાઈવરની વધુ પૂછપરછ હાથ ધરી મંગળસિંહ જાટ તથા બાંકારામ જાટને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
એમ્બ્યુલન્સમાં નશો કરવા માટેના પોશડોડાની હેરાફેરી કરવા પાછળનું આખું નશાનું નેટવર્ક કેટલું મોટું છે અને તેમાં હજુ કેટલા લોકો સામેલ છે? તે તપાસનો વિષય બન્યો છે.