વડોદરામાં અઢળક બોગસ ફાયર NOC ફરી રહી હોવાના મુદ્દે પોલીસની શંકાસ્પદ ભૂમિકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fire NOC Controvercy : વડોદરા શહેરમાં બોગસ ફાયર એનઓસીના મામલે ફરી એક વખત ગંભીર સવાલો ઊભા થયા છે. કરણી સેનાના આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડે આક્ષેપ કર્યો છે કે શહેરમાં અઢળક બોગસ એનઓસી ફરી રહી છે, છતાં પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમના જણાવ્યા મુજબ ફાયર વિભાગ દ્વારા રાવપુરા પોલીસ મથકમાં બોગસ એનઓસી મામલે ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ એક વર્ષનો સમય વીતી જવા છતાં તપાસના નામે કોઈ નક્કર પરિણામ આવ્યું નથી.
મહેન્દ્રસિંહ રાઠોડના જણાવ્યા પ્રમાણે રાવપુરા પોલીસ મથકમાં કરવામાં આવેલી ફરિયાદમાં ખુદ ફાયર વિભાગે સંબંધિત એનઓસી બોગસ હોવાનું અને તેનું નોંધણીકરણ થયું ન હોવાનું જણાવ્યું છે. તેમ છતાં સમગ્ર મામલે તપાસ ક્યાં સુધી પહોંચી અને શું કાર્યવાહી થઈ તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.
પોલીસ કમિશનર કચેરીમાં માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવામાં આવી હોવા છતાં સમગ્ર મામલે યોગ્ય ખુલાસો ન થયો હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
બોગસ એનઓસીના સમગ્ર મામલે હવે રાજ્યના ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવશે. બોગસ એનઓસીના કેસોમાં જવાબદારો સામે ગુનો દાખલ થાય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તે માટે પગલાં ભરવાની માંગ કરવામાં આવશે.
બાપોદ પોલીસ મથકમાં પણ બોગસ એનઓસી અંગે અરજી કરવામાં આવી હતી. આ અરજીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ અધિકારીએ ગુનો નોંધવા માટે સંયુક્ત પોલીસ કમિશનર પાસે મંજૂરી માગી હોવા છતાં રાજકીય દબાણના કારણે ગુનો નોંધાયો ન હોવાનો આક્ષેપ કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે સંયુક્ત પોલીસ કમિશનર દ્વારા જ બોગસ એનઓસી હોવાનું સાબિત થતું નથી તેવી સ્થિતિ નક્કી કરવામાં આવી રહી છે. જેના કારણે તપાસની પ્રક્રિયા અને નિર્ણય સામે પણ સવાલો ઊભા થયા છે.
હરણી વિસ્તારમાં બોગસ એનઓસી મામલે કરવામાં આવેલી અરજીની પણ યોગ્ય તપાસ કરવામાં આવી નથી એવો આક્ષેપ કરણી સેનાના આગેવાને કર્યો છે. સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.




