Baroda

PM મોદીના આગમન પહેલાં વડોદરાનો 'કાયાકલ્પ'! રાતોરાત ચકાચક રસ્તા, ઝાકમઝોળ અને રંગરોગાનનો ધમધમાટ

By GS Team
7 Sep 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે, 8 સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે આવશે. તેમના આગમન પૂર્વે શહેરનો કાયાકલ્પ થયો છે. ખાડાવાળા રસ્તાઓ સુધર્યા, દીવાલો પર કલાત્મક ચિત્રો અને સ્વચ્છતાના સ્લોગન જોવા મળી રહ્યા છે. 'બુક માય શો' પર કાર્યક્રમનું રજિસ્ટ્રેશન 24 કલાકમાં હાઉસફુલ થયું. 2 હજારથી વધુ પોલીસ જવાનો સુરક્ષા માટે તહેનાત છે. વડોદરાવાસીઓ આશ્ચર્યમાં છે કે શહેર રાતોરાત કેમ ચકાચક થઈ ગયું.

Summarized by AI; it may make mistakes. Check important info

PM મોદીના આગમન પહેલાં વડોદરાનો 'કાયાકલ્પ'! રાતોરાત ચકાચક રસ્તા, ઝાકમઝોળ અને રંગરોગાનનો ધમધમાટ

PM Modi Vadodara Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે, 8 સપ્ટેમ્બરના રોજ સંસ્કારી નગરી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આ એક જ મુલાકાતે આખા વડોદરા શહેરની સિકલ જ બદલી નાંખી છે! વડોદરા શહેરમાં જ્યાં ખાડા ધરાવતા રસ્તા, ગંદકી અને ધૂળનું સામ્રાજ્ય હતું, ત્યાં અચાનક રંગરોગાન, સાફ-સફાઈ અને ઝાકમઝોળ દેખાઈ રહી છે. વડોદરાવાસીઓ પણ આ કાયાકલ્પ જોઈને આશ્ચર્યમાં પડી ગયા છે અને સવાલ કરી રહ્યા છે કે, "આ આખું વડોદરા રાતોરાત ચકાચક કેવું થઈ ગયું?"

રસ્તા-દિવાલો પર કલાત્મક ચિત્રો અને સ્વચ્છતાના સ્લોગન

વડાપ્રધાનના રૂટ અને તેના આસપાસના વિસ્તારોમાં જે રસ્તા ક્યારેય દુરસ્ત ન હતા, તે અત્યારે સુંદર બની ગયા છે. શહેરના વિવિધ સર્કલને આકર્ષક થીમ સાથે સજાવીને રંગબેરંગી લાઈટોની ઝાકમઝોળ કરી દેવાઈ છે. બ્રિજ, દીવાલો અને રસ્તાઓની આસપાસ કલાત્મક ચિત્રો દોરાઈ રહ્યા છે અને સ્વચ્છતાના સ્લોગન લખાઈ રહ્યા છે. વડોદરાનો આ બદલાયેલો લુક જોઈને ઘણા વડોદરાવાસીઓને તો એવું પણ લાગવા લાગ્યું છે કે તેઓ કોઈ બીજા જ શહેરમાં ભૂલા તો નથી પડી ગયા ને!

'બુક માય શો' થી હાઉસફુલ રજીસ્ટ્રેશન અને Y-રેમ્પ

આવતીકાલે એમ.એસ. યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં યોજાનારા કાર્યક્રમ માટે દેશમાં પહેલીવાર 'બુક માય શો' પર રજિસ્ટ્રેશન રખાયું હતું, જે 24 જ કલાકમાં 'હાઉસફૂલ' થઈ ગયું છે! આ ઈવેન્ટમાં યુવાનો સાથે વડાપ્રધાન સીધો સંવાદ કરશે, જેના માટે વિશેષ 'Y' આકારનો રેમ્પ તૈયાર કરાયો છે. તો આખા કાર્યક્રમનું IPLની જેમ 4K ટેક્નોલોજીથી લાઈવ કવરેજ થશે.

કઈ રીતે અને કેટલા જવાનો તહેનાત?

સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પણ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તહેનાત રહેશે. પ્રાપ્ત વિગતો અનુસાર, 11 DCP અને 17 ACP સહિત કુલ 2 હજારથી વધુ જવાનો કાફલો ખડકી દેવાયો છે. ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પંડ્યા બ્રિજથી ફતેહગંજ નીચે થઈ જૂના ‘વુડા’ સર્કલ સુધીનો રસ્તો બંધ રાખી વૈકલ્પિક રૂટ અપનાવવા પોલીસે અપીલ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ: અજમેર-મૈસુરુ ટ્રેન હવે નિયમિત દોડશે, વડોદરા-ગોરખપુર સ્પેશિયલ ટ્રેનના ફેરા 25 નવેમ્બર સુધી લંબાવાયા

વડોદરાવાસીઓની શું પ્રતિક્રિયા?

આ કાયાકલ્પને જોઈને વડોદરાવાસીઓમાં જિજ્ઞાસા જાગી છે, તો સાથે જ લોકોને સવાલ પણ થઈ રહ્યા છે કે, ‘કોઈ નેતાજી આવે ત્યારે જ શહેર કેમ ચમકે છે? શું VIPના આગમન માટે જ આ બધું કામ થઈ રહ્યું છે? જો આવી રીતે જ શહેરની કાયાપલટ થતી હોય, તો વીઆઈપીઓએ વારંવાર વડોદરા આવવું જોઈએ!’