Baroda

VGL દ્વારા CNG અને PNGના ભાવમાં વધારો, વડોદરાવાસીઓને દિવાળીમાં મોંઘવારીનો ફટકો

By GS Team
1 Nov 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં દિવાળીના તહેવારો વચ્ચે વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા CNG અને PNGના ભાવમાં વધારો કરાયો છે. 1 નવેમ્બરથી લાગુ થયેલા આ ભાવવધારાથી CNG પ્રતિ કિલો ₹1.50 વધીને ₹90.50 થયો છે, જ્યારે PNG પ્રતિ ઘનમીટર 50 પૈસા વધીને ₹56.24 (વેટ સિવાય) થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ અને ડોલરના વિનિમય દરમાં વધારાને કારણે આ નિર્ણય લેવાયો છે, જે 3.97 લાખ ગ્રાહકોને અસર કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

VGL દ્વારા CNG અને PNGના ભાવમાં વધારો, વડોદરાવાસીઓને દિવાળીમાં મોંઘવારીનો ફટકો

Vadodara Gas Limited CNG Price Hike: મોંઘવારીનો માર સહન કરી રહેલા નાગરિકોને દિવાળીના તહેવાર વચ્ચે વડોદરા ગેસ લિમિટેડ (વીજીએલ) તરફથી ગેસના ભાવ વધારાની ભેટ મળી છે! વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગેલ ગેસ લિમિટેડના સંયુક્ત સાહસ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા સીએનજી અને પાઇપલાઇન ગેસ (પીએનજી)ના છૂટક વેચાણ ભાવમાં ફરી વધારો કરાયો છે. નવા ભાવનો અમલ આજથી એટલે કે 1 નવેમ્બરથી લાગુ કરી દેવાયો છે.

CNG પ્રતિ કિલોગ્રામ રૂ. 1.50નો વધારો

વીજીએલ દ્વારા સીએનજી (વડોદરા જિલ્લો)ના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 1.50નો વધારો કરાયો છે. અગાઉ રૂ. 89 પ્રતિ કિલોગ્રામના ભાવે મળતો સીએનજી હવે રૂ. 90.50 થયો છે. જ્યારે પાઇપલાઇન ગેસના ભાવમાં પ્રતિ ઘનમીટર 50 પૈસાનો વધારો કરાયો છે. અગાઉ રૂ. 55.74 પ્રતિ ઘનમીટરનો ભાવ હવે વધીને રૂ. 56.24 (વેટ સિવાય) થયો છે. આમ, વાહનચાલકોની સાથે ઘરમાં રસોઈ માટે પાઇપલાઇન ગેસનો ઉપયોગ કરતા પરિવારોના માસિક બજેટ પર પણ વધારાનો બોજ પડશે.

ભાવ વધારાનું કારણ શું?

કંપનીએ ભાવવધારા પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ અને ડોલરના વિનિમય દરમાં થયેલા વધારાને કારણ ગણાવ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ વર્ષ 2025-2026 દરમિયાન આયાતી પ્રવાહી કુદરતી ગેસ (આરએલએનજી)ની લેન્ડેડ કિંમતમાં 26 ટકા અને ઘરેલુ ગેસની કિંમતમાં 19 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત અમેરિકી ડોલરના વિનિમય દરમાં 8 ટકાનો વધારો થતાં ડોલર આધારિત ગેસની કિંમતમાં પણ વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અદાણી ગેસ દ્વારા પણ સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 4.45નો વધારો કરાયો હતો. હવે વીજીએલના ભાવવધારાથી પણ વાહનચાલકો, રિક્ષાચાલકો, મધ્યમ વર્ગના પરિવારો અને નાના વેપારીઓને મોંઘવારીનો વધુ એક ફટકો પડશે.

5 વર્ષમાં ગેસના ભાવ આસમાને

વર્ષ 2021માં સીએનજીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 53 હતો, જે હવે વધીને રૂ. 90.50 થયો છે. એટલે કે પાંચ વર્ષમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 37.50નો વધારો થયો છે. બીજી તરફ વર્ષ 2022માં પાઇપલાઇન ગેસનો ભાવ પ્રતિ ઘનમીટર રૂ. 35.65 હતો, જે હવે રૂ. 56.24 થયો છે. આમ, ચાર વર્ષમાં પ્રતિ ઘનમીટર રૂ. 20.59નો વધારો થયો છે.

કંપનીના 3.97 લાખ ગ્રાહકોને અસર

વીજીએલ દ્વારા શહેરમાં 2.82 લાખ ઘરો, 3 હજાર વ્યાપારી એકમો અને 71 ઔદ્યોગિક એકમોને પાઇપલાઇન ગેસનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જ્યારે કંપની રોજ 1.60 લાખ કિલોગ્રામથી વધુ સીએનજીનું વિતરણ કરે છે અને 1.15 લાખથી વધુ વાહન ગ્રાહકોની જરૂરિયાત પૂરી પાડે છે. આટલા મોટા ગ્રાહકવર્ગ પર ભાવવધારાની સીધી અસર થવાની છે. દિવાળીના તહેવાર દરમિયાન જ ગેસના ભાવ વધતાં નાગરિકોએ હવે ઘરખર્ચ અને વાહનના ઇંધણ પાછળ વધુ નાણાં ફાળવવા પડશે.